દોઢ ટકાથી વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો જેલમાં જશે: અમદાવાદના પોલીસ કમિશનરનો આદેશ

શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી સ્યુસાઇડ ગુના રોકવા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વ્યાજખોરો સામે સખત પગલા લેવા સરક્યુલર કર્યો છે. હવે લાઇસન્સ વગર વ્યાજે નાણા ધીરી શકાશે નહીં, જ્યારે લાઇસન્સ ધારક પણ વાર્ષિક 18 ટકા કરતા વધારે વ્યાજ વસૂલી શકશે નહીં. આ નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદથી માંડી પાસા સુધીના પગલા લેવાશે. જે ગુના હેઠળ વ્યાજખોરને બે વર્ષની સજા અને 25 હજારનો દંડ ઉપરાંત તેમની મિલકત પણ જપ્ત કરાશે.

પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે, ખોખરાના એક વ્યાજખોરને પાસા કરવામાં આવી છે. હવે બળજબરી કરીને વ્યાજ વસૂલનારા તમામ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે માર્ચથી ડિસેમ્બર મહિના સુધીમાં વ્યાજખોરો સામે 26 ગુના નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના પ્રયાસના 3 કિસ્સા બન્યા છે.

બળજબરીથી લખાણ લખાવી લેનારને પણ 25 હજારનો દંડ થશે 

નાણાં ધીરધારનો ધંધો કરનારે લાઇસન્સ લેવું પડશે. તેમ છતાં જો કોઇ વ્યક્તિ લાઈસન્સ વગર આ ધંધો કરશે તો તેને 2 વર્ષની સજા અને 25 હજારનો દંડ થશે. નાણાં ધીરનાર કોઇ પણ વ્યક્તિ પૈસાની ઉઘરાણી માટે કોઇના ઘરે જઇ નહીં શકે તેમજ ધાક ધમકી પણ આપી શકશે તેમજ બળજબરીથી કોઇ લખાણ લખાવી કે પૈસા કઢાવી શકશે નહીં, તેમ કરશે તો તે વ્યાજખોરને વધુ 2 વર્ષની સજા અને રૂ.25 હજારનો દંડ થશે. આવી પરિસ્થિતમાં વ્યાજખોર સામે તાત્કાલિક ગુનો નોંધી આરોપીના ઘરે, કામના સ્થળે તેમજ તમામ સંભવિત સ્થળે સર્ચ કરીને જરૂરી પૂરાવા એકત્રિત કરી કરાશે. વ્યાજખોર કોર્ટમાંથી આગોતરા જામીન લે તે પહેલા જરા પણ વિલંબ કર્યાં વગર તેની ધરપકડ કરી લેવી. તેમ છતાં જો આરોપી ભાગી જાય તો ડીસીપીએ ખાસ ટીમો બનાવીને આરોપીને પકડવા તજવીજ શરુ કરવી. 

મિલકત જપ્તીની પણ કાર્યવાહી

જો કોઈ વ્યાજખોરે વ્યાજના પૈસાની મિલકતો વસાવી હોય તો તેવી મિલકતો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે. આવી મિલકતો વિશે ઈડી તેમજ સીઆઈડી ક્રાઈમને જાણ કરી મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે.

ફાઇનાન્સરની યાદી ન રાખનાર પીઆઈ સામે પણ પગલાં લેવાશે

દરેક પોલીસ સ્ટેશનમાં નાણાં ધીરધારનો ધંધો કરનાર લાઈસન્સ ધારકની યાદી ફરજિયાત રાખવી. કોઇ પણ વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત આવે તો પીઆઈએ તેની સામે તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી કરવી. જો કોઇ પીઆઈ યાદી નહીં રાખે તો તેની સામે પણ પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે દાગીના ગીરવે મુકીને ધીરાણ લેનાર પાસેથી 18 ટકા જ્યારે દાગીના ગીરવે મુક્યા વગર ધીરાણ લેનાર પાસેથી 21 ટકા વ્યાજ લઈ શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો