અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન : ખાનગી હૉસ્પિટલો ખુલ્લી નહીં રહે તો તબીબનું લાઇસન્સ કરાશે રદ
આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કોરોના મામલે ગુજરાત સરકાર તરફથી અમદાવાદનો ચાર્જ રાજીવ ગુપ્તાને સોંપવામાં આવ્યા બાદ આ આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ હાલ વિજય નહેરા ક્વૉરન્ટી થતાં તેમની ચાર્જ મુકેશ કુમાર સંભાળી રહ્યા છે. બીજી તરફ સરકારે અમદાવાદ શહેરમાં 48 કલાકમાં ખાનગી દવાખાના ખોલવાનો આદેશ કર્યો છે. જો આગામી 48 કલાકમાં ખાનગી દવાખાના અને નર્સિંગ હોમ નહીં ખુલ્લે તો તેમનું લાઇસન્સ રદ થશે. બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ ખાતે પરામર્શ બેઠક બાદ ખાનગી તબીબોને કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના તબીબી જગતના ‘બેસ્ટ બ્રેઈન’ અને ‘બેસ્ટ ટેલન્ટ’ને આગળ આવવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લોકો વસ્તુઓ લેવા બહાર નીકળી પડ્યાં
અમદાવાદને સજ્જડ બંધ કરવાના આદેશ સાથે જ લોકો કરિયાણું અને અન્ય વસ્તુઓ લેવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. આગામી સાત દિવસ સુધી દૂધ સિવાય કોઈ વસ્તુ નથી મળવાની ત્યારે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ કે અન્ય કોઈ નિયમોનું પાલન ન કરતા રસ્તા પર ઉતરી આવ્યા છે.
આ સાથે જ શહેરમાં નવ જેટલી ખાનગી હૉસ્પિટલનો કોવિડ હૉસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ સાથે ખાનગી હૉસ્પિટલોને 48 કલાકમાં હૉસ્પિટલ ચાલુ કરવાનો આદેશ કરાયો છે. આવું નહીં કરવા પર લાઇસન્સ રદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત આવું ન કરતા ડૉક્ટરોને કોવિડ હૉસ્પિટલોમાં ફરજિયાત નોકરી કરવાની રહેશે તેમ પણ કહેવામાં આવ્યું છે.
નવી કોવિડ હૉસ્પિટલોની જાહેરાત
શ્યામલ ચાર રસ્તાની પારેખ હોસ્પિટલ, રખિયાલની નારાયણી હોસ્પિટલ, વાસણાની જીવરાજ મહેતા હોસ્પિટલ, નરોડાની GCS હોસ્પિટલ, નિકોલની કોઠિયા, નવરંગપુરાની શુશ્રૂષા અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.
સુપર સ્પ્રેડર્સને શોધી કઢાશે
તંત્ર તરફથી એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે દરેક વોર્ડમાં દરરોજ 500 સુપર સ્પ્રેડર્સનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. આમ 13મી મે સુધી તમામનો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવશે. જે બાદમાં તેમને હેલ્થ કાર્ડ આપી દેવામાં આવશે.
કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. સિવિલ હોસ્પિટલ ખાતેની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, “અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોવિડ દર્દીના મૃત્યુ અને કેસ સંખ્યા વધી રહી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના તબીબી જગતના ‘બેસ્ટ બ્રેઈન’ અને ‘બેસ્ટ ટેલન્ટ’ આગળ આવે તે જરૂરી છે.”
આ પરામર્શ બેઠકમાં શહેરની ખાનગી હૉસ્પિટલના નિષ્ણાંત તબીબોએ કોરોના સંક્રમણને નાથવા અને અને દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર માટે તેઓના વિચાર વ્યક્ત કર્યા હતા. બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ અને શહેરના જાણીતા ડૉકટરો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

