કોરોનાને હરાવનાર અમદાવાદની યુવતીએ લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી… કહ્યુ- આઈસોલેશન વોર્ડમાં 10 દિવસ વીતાવ્યા પછી મને ઘરમાં રહેવાની કિંમત સમજાય છે

કોરોનાના ભયની વચ્ચે આ સુખદ સમાચાર છે. ગુજરાતમાં પહેલીવાર રવિવારે કોરોનાના 2 દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે. બંને મહિલા છે. આરોગ્ય સચિવ જયંતી રવિનું કહેવું છે કે દર્દી ઝડપથી સાજા પણ થઈ રહ્યાં છે. અમદાવાદની મહિલાએ બધા દર્દીઓ અને લોકોનો જુસ્સો વધારવા પોતાની 10 દિવસની કહાની જણાવી…

ઓહ માય ગોડ… (કોરોના વાઈરસમાંથી સાજા થવાની પોતાની કથની કહેવાની શરૂઆત જ એ ભગવાનને યાદ કરીને કરે છે અને એની વાતમાં વારંવાર ભગવાનનો ઉલ્લેખ આવતો રહે છે.) 18મી માર્ચે એસવીપી હોસ્પિટલનાં કોરોના માટેના આઈસોલેશન વોર્ડમાં હું દાખલ થઈ ત્યારે ત્યાં મારી જેવી ચારથી પાંચ વ્યક્તિઓ લક્ષણોવાળી હતી. ત્યારે મને ખબર નહોતી કે એમાં અમારા બે જણના ટેસ્ટ પોઝિટિવ આવશે.

કોરોના માટેના ટેસ્ટની પ્રક્રિયા પણ ઓછી પીડાદાયક નથી. એક શ્વાસને નાકની છેક અંદર અને બીજા શ્વાસને ગળાની છેક અંદર ઉતારવામાં આવે છે. આ પછી બ્લડ ટેસ્ટ અને છાતીનો એક્સ-રે પણ કરવામાં આવે છે. હું સતત ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારો ટેસ્ટ પોઝિટિવ ન આવે. પણ જ્યારે ડોક્ટરોએ કહ્યું કે મારા ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે ત્યારે મને આંચકો લાગ્યો હતો.

મને ટેસ્ટના રિઝલ્ટ પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. મને સમજાતું જ નહોતું કે આવું કેવી રીતે થઈ શકે? હું જે દેશમાં ગઈ હતી ત્યાં તો કોરોનાનો કોઈ કેસ પણ નહોતો અને મેં તો આટલી બધી કાળજી લીધી હતી. પણ હું કોરોના પોઝિટિવ હતી એ સત્ય હતું અને હવે મને ડર લાગવા માંડ્યો હતો. આમ તો હું સ્ટ્રોંગ પર્સન છું. પણ કોરોનાના કારણે મને ભય અને ચિંતા બંને હતા. મારા પરિવારની મને ઘણી ચિંતા હતી. મારા માટે કોરોના પોઝિટિવ આવ્યા છતાં એક રાહત હતી મને કોરોનાના ગંભીર લક્ષણો નહોતા. એટલે મને એક દિવસ પણ વેન્ટિલેટર પર કે ઓક્સીજન પર રખાઈ નહોતી.

પહેલાં સાત દિવસ તો મને વાંધો ન આવ્યો પણ આઠમા દિવસે જે રીતે કોરોનાએ પોત પ્રકાશ્યું તેથી હું ડરી ગઈ હતી. વાત કરતાં પણ મને ગળામાં દબાણ લાગવાનું શરૂ થઈ ગયું હતું. શ્વાસ પણ ભારે થવા માંડ્યો હતો. મારો વિશ્વાસ ડગી ગયો હતો. મને લાગ્યું કે વાઈરસ સામેના જંગમાં મારું શરીર હારી રહ્યું છે. પણ ડોક્ટરોએ મને આશ્વાસન આપ્યું અને કહ્યું કે દવાઓની અસર થઈ રહી છે, તમે સાજા થઈ રહ્યા છો.

મને અનેક પ્રશ્નો હતા. હું ડોક્ટરોને પૂછ્યા કરતી કે મારી રોગ પ્રતિકારક શક્તિ પહેલાં જેવી થઈ જશે કે નહીં? કેટલા સમય સુધી આવું રહેશે? ડોક્ટરો માટે પણ આ વાઈરસ નવો હતો એટલે મને આશ્વાસન મળતું પણ નક્કર જવાબ મળતો નહીં.

હું ભગવાનની આભારી છું કે એણે મને સારું નસીબ આપ્યું, મારી બીમારી મારા સુધી જ સીમિત રહી પરિવારના કોઈ સભ્યને એનો ચેપ લાગ્યો નહીં.
ધીમે ધીમે મારી સ્થિતિ સુધરતી ગઈ અને મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા એટલે હવે ડોક્ટરોએ મને રજા આપી છે. મારા ઘરે પણ સ્ટીકરનો રંગ લાલમાંથી લીલો થઈ ગયો છે.

કોરોનાના દુ:ખદ અનુભવમાંથી બહાર આવેલી એક વ્યક્તિ તરીકે મારે તમને સૌને એ કહેવાનું છે કે જરાય વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેશો. તમે 15 વર્ષના છો કે 25 વર્ષના, 35 વર્ષના છો કે 45ના એવું જરા પણ ન વિચારશો કે આ રોગ તો માત્ર વૃદ્ધોને જ અસર કરશે. દુનિયાભરમાં ઘણા ઉદાહરણો છે કે નાની ઉંમરના લોકોને પણ કોરોના થઈ શકે છે. કોરોનાને ફેલાતો રોકવા લૉકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. માસ્ક પહેરેલું જ રાખો કારણ કે તમને ખબર જ નથી કે તમે વાઈરસના વાહક છો કે નહીં? હું સાજી થઈ ગઈ છું પણ હવેથી કાયમ માટે માસ્ક પહેરીને જ ફરીશ જેથી મારો ચેપ બીજાને ન લાગે અને નુક્શાન ન થાય.

‘‘આજે બપોરે મેં લખ્યું હતું,
હું ઘરે આવી રહી છું,
હું ઘરે આવી રહી છું,
આખા વિશ્વને કહો
હું ઘરે આવી રહી છું…’’

હોસ્પિટલમાં કોરોનાના આઈસોલેશન વોર્ડમાં 11 દિવસ વિતાવ્યા પછી મને ઘરમાં રહેવાની કિંમત સમજાઈ છે. તમે પણ ઘરમાં રહેવાનું સમજો. લૉકડાઉનનું પાલન કરો.

કોરોના ‘મુક્ત’ યુવતીનું રહીશોએ થાળી-તાળી, શંખનાદથી સ્વાગત કર્યું

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ બનેલી આંબાવાડીની યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોના વાઈરસનો શિકાર બની હતી. કોરોનાના ભયને કારણે આજે એવી સ્થિતિ છે કે, લોકો વિદેશથી આવેલાને પોતાના વિસ્તાર કે સોસાયટીમાં પ્રવેશવા દેતા નથી. આ ઉપરાંત તેમના પ્રત્યે ઘૃણા રાખવામાં આવે છે. જો કે, શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી છે. યુવતી ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો