અમદાવાદમાં પ્રસુતિ દરમિયાન વધુ લોહી વહી જતા મહિલાનું મોત થતા ડોક્ટરનું અપહરણ કરી માર મારીને ભુલની કબુલાતનો વિડિઓ ઉતાર્યો

અમદાવાદમાં ડોકટરના ચકચારી અપહરણ કેસમાં ક્રાઇમ બ્રાંચે સલમાન, શમસાદ, ફુરખાન અને મકબુલ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બાકીના ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ મામલાના પડધા ગાંધીનગરમાં પણ પડ્યા હતા જ્યાં આજે ડોકટરોનુું પ્રતિનિધી મંડળ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને મળ્યું હતુુું અને આ કેસમાં તાકીદે પગલા લેવા અને આવી ઘટના ફરી ન બને તે અંગે વિનંતી કરી હતી.

આજે આ ઘટનામાં ડોક્ટરોએ હસ્તક્ષેપ કરીને મોટી ચીમકી ઉચ્ચારી છે. અને ડોક્ટરનું અપહરણ કરી માર મારવાના કેસમાં હવે બીજા ડોક્ટરો ડો. નકુમના બચાવમાં ઉતર્યા હતા. જો આ મામલે તાકીદે પગલા લેવામાં ન આવે તો ડોક્ટરોની અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે 24 કલાકમાં ન્યાય ન મળે તો અમે હડતાળ પર જઈશું. ડોક્ટરોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, ઘટનાને 1 કલાક વીતી ગયા પછી પણ પોલીસ આવી નહોતી. અમે વારંવાર 100 નંબર લગાવ્યા બાદ પણ પોલીસ ઘટના સ્થળે આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે નાતાલની રાત્રે બુધવારે માણેકબાગ શ્રેયસ ઓવરબ્રિજ પાસેની નવકાર હોસ્પિટલમાં મહિલા દર્દીના મોતથી ઉશ્કેરાયેલા સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યા બાદ એનેસ્થેસિયા ડોક્ટર કલ્પેશ નકુમનું અપહરણ કર્યું હતું. કલ્પેશને મારીને આરોપીઓએ ગાયનેક ડો. ધર્મિષ્ઠા શાહની ભૂલથી દર્દીનું મોત થયાનું બોલાવીને વીડિયો ઉતાર્યા હતા. વીડિયો ઉતાર્યા બાદ વટવાથી ડો.કલ્પેશને નારોલ ઉતારીને આરોપીઓ ફરાર થયા હતા. એલિસબ્રિજ પોલીસે નારોલથી બે કલાક સુધી અપહૃત રહેલા ડોક્ટરને લઈ આવી અને અપહરણકર્તા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

શાહપુર રંગીલા ચોકી પાસે રહેતાં સોહિલખાન પઠાણની પત્ની રૂકસાનાબાનુ સગર્ભા હોવાથી તેઓને નવકાર હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. બુધવારે સાંજે તેઓનું સિઝેરિયનની જરૂરિયાત ઉપસ્થિત થતાં ગાયનેક ડો, ધર્મિષ્ઠા શાહે એનેસ્થેસિયા ડો,કલ્પેશ સવજી નકુમ (ઉં,35)ને બોલાવ્યા હતા. રાત્રે કલ્પેશભાઈએ એનેસ્થેસિયા આપ્યા બાદ રૂકસાનાનું સિઝેરિયન ઓપરેશન કરી ધર્મિષ્ઠાબહેને ડિલિવરી કરાવી બાળકી દર્દીના સગાને સોંપી હતી.

દરમિયાન બ્લીડિંગ વધારે થતાં રૂકસાનાની તબિયત લથડતાં તેઓને એમ્બ્યુલન્સમાં વીએસ હોસ્પિટલ લઈ જવાયા હતા. વીએસમાં ધર્મિષ્ઠાબહેન, કલ્પેશભાઈ અને સ્ટાફના બે માણસો પણ દર્દીના સગા સાથે ગયા હતા. રૂકસાનાબાનું દાખલ કર્યા બાદ રાત્રે ૮ વાગ્યે નવકાર હોસ્પિટલ પરત આવીને કલ્પેશભાઈ પેપરવર્ક કરી રહ્યા હતા. તે સમયે હોસ્પિટલમાં તોડફોડ અને હોબાળો થતાં તેઓ જોવા ગયા હતા. તે સમયે રાત્રે ૯:૩૦ કલાકે ૨૦થી ૩૦ વર્ષના ત્રણ યુવકોએ રિસેપ્શન ટેબલના કાચ અને ફોન તોડી નાંખ્યા અને કલ્પેશભાઈને ડાબી આંખ ઉપર ફેંટ મારી ઈજા કરી હતી.

બાદમાં હોસ્પિટલ ગેટ પાસે પાર્ક કરેલી કારમાં બેસાડીને ત્રણે શખ્સ કલ્પેશભાઈનું અપહરણ કરી ફરાર થયા હતા. કારમાં આરોપીઓએ કલ્પેશભાઈનો ફોન લઈ બંધ કર્યો અને ચાલુ કારમાં મારવાનું શરૂ કર્યું હતું. કારમાં આગળ બીજા બે ઔઇસમો બેઠા હોવાથી તેઓ ભૂદરપુરા, પરિમલ અંડરબ્રિજ, મહાલક્ષ્મી ચાર રસ્તા, જમાલપુર બ્રિજ, બહેરામપુરા ચોકીથી દાણીલીમડા ગયા હતા.

એક ઇસમે કહ્યું કે, મારી ભાભી મરી ગઈ છે, અમે કહીએ તેમ તું બોલ નહીં તો તને અને તારા પરિવારને મારી નાંખીશું છરી બતાવી હતી. આરોપીઓએ વટવા લઈ જઈને તેઓ પોતાની મરજી મુજબ ગાયનેકની ભૂલથી દર્દીનું મોત થયાનું કલ્પેશભાઈ પાસે બોલાવી વીડિયો ઉતાર્યા હતા. વીડિયોમાં જે બોલ્યો તેમ બધે જ બોલજે તેવી ધમકી આપી રાત્રે ૧૧:૩૦ નારોલ પાસે છોડયા હતા.

ગાયનેકની ભૂલથી દર્દીનાં મોતનો વીડિયો ઉતાર્યો

ડો.કલ્પેશને ડરાવી આરોપીઓએ ગાયનેક ધર્મિષ્ઠા શાહની ભૂલથી દર્દી રૂકસાનાબાનુનું મોત થયાનું બોલાવી વીડિયો ઉતાર્યો હતો. આ રીતે જુદા જુદા ત્રણ વીડિયો ઉતાર્યા હતા.

પોલીસનો ફોન આવતા આરોપીએ મુક્ત થયાનું બોલાવ્યું

અપહૃત ડોક્ટરને શોધતી પોલીસે તેના મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો. આરોપીઓએ ડો.કલ્પેશને ફોન આપી કહ્યું કે, પોલીસને કહી દે કે મને વિક્ટોરિયા ગાર્ડન ઉતારી દીધો છે. ડરને કારણે પોલીસને કલ્પેશભાઈએ પોતે મુક્ત થયાનું જણાવ્યું હતું.

રિક્ષાચાલક ડોક્ટરને નારોલ ઉતારી ગયો

વટવામાં વીડિયો ઉતાર્યા બાદ આરોપીઓએ રિક્ષામાં ડોક્ટર કલ્પેશ બેસાડીને નારોલ મોકલ્યો હતો. ઓટો ચાલક નારોલ ઉતારી જતાં અપહૃતે જે નંબરથી પોલીસનો ફોન આવ્યો તે નંબર ફોન કરી પોતે નારોલ હોવાનું જણાવ્યું હતું. આખરે પોલીસે નારોલ પહોંચી ડોક્ટરને લઈ આવી હતી.

સીસીટીવી ફૂટેજથી તપાસ

પોલીસે રંગીલા ચોકી પાસે રહેતાં સોહિલખાન પઠાણના ભાઈ સહિત પાંચ જેટલા આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ કરી છે. પોલીસે ઘટનાના સીસીટવી ફૂટેજ પણ કબજે લઈ તપાસ કરી છે. આરોપીઓએ ઉશ્કેરાટમાં પગલું ભર્યાનું પોલીસનું માનવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો