1200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જંગલરાજ હોય તેવા દ્રશ્યો ખડાં થયાં, પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ડેડબોડીને સીધી સ્મશાનમાં મોકલાઈ

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં રીતસર જંગલરાજ હોય હોય તેવા દ્રશ્યો ખડાં થયાં છે, શુક્રવારે સાંજે સાત વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ ડેડબોડી સીધી સ્મશાન ગૃહે મોકલવામાં આવી હોવાની માહિતી સપાટી પર આવી છે, અત્યાર સુધીમાં પહેલી વાર મોટી સંખ્યામાં મૃતકોના સગાના ટોળે ટાળાં ડેડબોડી વિભાગ પાસે એકઠા થયા હતા.

આસપાસના વિસ્તારમાં વાહનો પાર્ક કરવા માટે પણ જગ્યા રહી નહોતી, બપોરે તો ૧૬ જેટલી એમ્બ્યુલન્સો ડેડબોડી લેવા માટે વેઈટિંગમાં ઊભી જોવા મળી હતી, રોજે રોજ મૃતકોના સગાંના હોબાળા મચી રહ્યા છે ત્યારે ડેડબોડી વિભાગ પાસે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો, બબાલો થતાં વારંવાર સિવિલના સ્ટાફને પોલીસની મદદ લેવી પડી હતી, ડેડબોડી લઈ જવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા વધારવામાં આવી પરંતુ મોતનો આંકડો વધુ ઊંચે જતાં સગાંઓને ડેડબોડી લેવા કલાકો સુધી રાહ જોવી પડી હતી.

સરકારી ચોપડે આખા અમદાવાદ શહેરમાં મોતનો આંકડો ૨૫-૨૮થી આગળ વધતો નથી, બીજી તરફ ગ્રાઉન્ડ પર સ્થિતિ અલગ છે. ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીઓનાં સતત મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી, દર્દીઓના સગાંઓ ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.

સરખેજના રિઝવાન નામના ૩૪ વર્ષીય યુવાનનું શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યા આસપાસ મોત થયું હતું, તેમના પરિવારને ડેડબોડી લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સરકાર કાગળ પર તો સારું સારું પિક્ચર બતાવે છે પણ હકીકત એ છે કે, કહેવાતી સંવેદનશીલ સરકાર સતત મોતનો સિલસિલો રોકવામાં નાકામ રહી છે.

અધિકારીઓ પણ એસી ચેમ્બરમાં બેસી મિટિંગો યોજે છે, તેઓ ગ્રાઉન્ડ રિયાલિટીથી વાકેફ નથી, નહિતર લોકોને આટલી હાડમારી ભોગવવી ન પડે. સગાંઓનો સૂર છે કે, હોસ્પિટલમાં દર્દીનું યોગ્ય રીતે ધ્યાન રખાતું નથી.

ચોધાર આંસુએ રડતાં મૃતકોના સગાંઓને પોલીસે દંડા દેખાડી ભગાડયા

સિવિલ કોવિડ ડેડબોડી વિભાગ પાસે હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, શુક્રવારે બપોરે ૩.૩૭ કલાકે ડેડબોડી વિભાગ નજીક મૃતકોના સગાઓનો મોટો જમાવડો જામ્યો હતો, સંખ્યાબંધ સગાં એકબીજાને ભેટી હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા, મોતના માતમની ચીસોથી આસપાસનો માહોલ ગૂંજી ઊઠયો હતો તેવા સમયે પોલીસે મૃતકોના સગાઓને દંડા દેખાડી ભગાડયા હતા. આ દ્રશ્ય જોઈ કેટલાક સગાઓએ કહ્યું કે, આવા નાજુક સમયમાં મૃતકોના સગાને હુંફની જરૂર હોય છે ત્યારે પોલીસ દંડા દેખાડી તેમને હાંકી કાઢે એ ઠીક નથી, એ પણ જરૂરી છે કે બિનજરૂરી ટોળાં ભેગા ના થાય પરંતુ આવા સમયે વિવેક દાખવી સમજાવટથી કામ લેવું જોઈએ.

આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ પણ શ્વાસ લેવામાં તકલીફના કિસ્સા વધ્યા

સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગના એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે, આરટીપીસીઆર ટેસ્ટ તો નેગેટિવ આવે છે પરંતુ શ્વાસ લેવામાં તકલીફ, ઓક્જિન લેવલ ઘટી જવું તેવા દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે અને આવા દર્દીઓના સારવાર દરમિયાન મોત થઈ રહ્યા છે.

એક કલાકમાં ૧૫ ડેડબોડી રવાના કરાઈ 

સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ ડેડબોડી વિભાગમાંથી શુક્રવારે બપોરે ૩.૧૫ કલાકથી ૪.૧૫ કલાકના અરસામાં ૧૫ ડેડબોડી ફટાફટ રવાના કરાઈ હતી, સિવિલમાંથી ફટાફટ ડેડબોડીનો નિકાલ થાય તે માટે ખાનગી એમ્બ્યુલન્સની સંખ્યા વધારી દેવાઈ છે, જોકે સામે મોતની સંખ્યા પણ અચાનક વધી જતાં વેઈટિંગ તો જૈસે થે જેવું જ છે. ૩.૧૫ વાગ્યાથી લઈને ૩.૩૫ કલાક સુધી ચાર ડેડબોડી રવાના થઈ હતી, એ પછી બપોરે ૩.૩૯ કલાકે એક ડેડબોડી, ૩.૪૨ કલાકે એક, ૩.૪૩ કલાકે એક, ૩.૪૯ કલાકે એક, ૩.૫૯ કલાકે બે, ૪.૧૦ કલાકે ૨, ૪.૧૩ કલાકે ૧, ૪.૧૫ કલાકે બે એમ્બ્યુલન્સમાં એક-એક એમ કુલ ૧૫ ડેડબોડી રવાના થઈ હતી.

સિવિલમાં સ્વજનની તબીયત પૂછવા ફોન કર્યો ત્યારે જવાબ મળ્યો કે મોત થયું છે

અમદાવાદશહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા, તેમના સગાએ શુક્રવારે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલ ખાતે તબીયત પૂછવા માટે ફોન કર્યો હતો, જોકે એ વખતે હોસ્પિટલ સત્તાવાળાઓએ કહ્યું હતું કે, તમારા સગા તો ગુજરી ગયા છે, આ સાંભળી સ્વજનો ચોંકી ઊઠયા હતા અને કહ્યું હતું કે, દર્દીનું મોત થઈ જાય છે છતાં તમે જાણ પણ કરતાં નથી, પરિવારજનોએ કહ્યું કે, અમારા સગા ક્યારે કેટલા વાગ્યે ગુજરી ગયા તેની અમને ખબર નથી, પરિવારે હોસ્પિટલ તંત્ર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

સોલા સિવિલમાંથી અન્યત્ર શિફ્ટ થવા દબાણ જોકે તંત્રનો ઈન્કાર

સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા કે દાખલ થવા માટે આવતાં દર્દીઓને બારોબાર અન્ય હોસ્પિટલમાં જવા માટે કહેવાઈ રહ્યું હોવાની બૂમરાણ ઊઠી છે, જોકે સોલા સિવિલ સત્તાવાળાઓ આ વાતનો ઈન્કાર કરે છે અને કહે છે કે, આવી કોઈ ઘટના બની નથી, અમે દર્દીઓની સેવામાં સતત વ્યસ્ત છીએ.

સોલા સિવિલમાં ઈન્જેક્શનની તપાસ માટે ઉચ્ચસ્તરીય ટીમ દોડી

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઈન્જેક્શન મામલે તપાસ કરવા ગાંધીનગરથી એક ઉચ્ચ સ્તરીય ટીમ દોડી ગઈ હતી, આ ટીમે ગઈ કાલે સાંજે ઈન્જેક્શનના જથ્થા મામલે તપાસ હાથ ધરી હતી, જોકે આ ટીમને તપાસમાં કંઈ અજુગતું લાગ્યું ન હતું તેમ સૂત્રો કહે છે.

કાતિલ કોરોના : ૫ વર્ષના માસૂમ  સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

કોરોના વાયરસનો કેર અમદાવાદ શહેરમાં વધુને વધુ ઘાતક બની રહ્યો છે, હવે યુવાનોના મોત વધી રહ્યા છે. શુક્રવારે સરખેજના ૩૪ વર્ષના દર્દીનું મોત થયું છે, જેમાં પાંચ વર્ષના માસૂમ સંતાને પિતાની છત્રછાયાને હંમેશ માટે ગુમાવી દીધી છે, આ પરિવાર શોકમાં મગ્ન છે ત્યારે સિવિલમાં મૃતકના મોબાઈલના કવરમાંથી ૫૦૦ રૂપિયાની ચોરીની શર્મનાક ઘટના સામે આવી છે. ૩૪ વર્ષના યુવાન રિઝવાન બાબુભાઈ શેખનું સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે આજે દાખલ થયાના દોઢ કલાકમાં મોત થયું હતું.

મોતને પગલે સગાંઓમાં કલ્પાંત મચી ગયો હતો, મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, રિઝવાનને ખાંસી હતી અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી, શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યા આસપાસ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જે મોડે મોડે દર્દીને લેવા આવી હતી, દર્દીને ૧૧ વાગ્યા સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા, દાખલ કર્યા ત્યારે ફોન પર દર્દી અને પરિવાર વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં ઓક્સિજન પર મૂકવામાં તો આવ્યા છે પરંતુ જરાયે સારું લાગતું નથી તેમ દર્દીએ જણાવ્યું હતું.

ઓક્સિજન બેડ ન મળતાં સારવાર માટે અમદાવાદથી સુરત દોડયા 

ઈસનપુર ખાતે રહેતાં ભાનુભાઈ વાઘેલાની તબીયત નાદુરસ્ત લાગતા અને ઓક્સિજન લેવલ ઘટી જતાં શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થવા માટે દોડાદોડી કરી હતી, જોકે ઓક્સિજન બેડ મળી શક્યો ન હતો, બપોરે ખાનગી લેબોરેટરીમાં આરટીપીઆર ટેસ્ટ કરાવ્યો છે, જેના રિપોર્ટની પરિવાર રાહ જોઈ રહ્યો છે,

જોકે સારવાર મળે તે માટે ૧૦૮ને ફોન કર્યો હતો, પણ થોડોક સમય રાહ જોયા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ના આવતાં અંતે પરિવારે સુરતમાં ખાનગી વાહન મારફત દર્દીને સારવાર માટે મોકલ્યા હતા, સુરત ખાતે રાતે પોણા દસ વાગ્યા આસપાસ સારવાર ચાલુ કરાઈ હતી, જોકે રાતે પોણા દસ વાગ્યા સુધી પણ ૧૦૮ એમ્બ્યુલન્સ તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો તેમ દર્દીના પુત્ર વિજય વાઘેલાએ જણાવ્યું હતું. શહેરમાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે, હોસ્પિટલોના બેડ ભરાઈ જતાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો