બળદ કે ટ્રેક્ટર મોંઘા પડે છે? તો અજમાવી જૂઓ ખેડૂતે બનાવેલું આ ‘બાઇક સાંતી’

દિવસેને દિવસે ખેતી ખર્ચમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. એટલે, નાના અને સિંમાત ખેડૂતોને ટ્રેક્ટર તો ઠીક પણ હવે મિનિ ટ્રેક્ટર અને બળદ રાખવા પણ પોષાય તેમ નથી. પણ ભાણવડના ખેડૂતે આ સમસ્યાનો કોઠાસૂઝથી ઉપાય શોધ્યો છે.

જુઓ વિડિઓ:-

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા જયેશ સગરે નાના ખેડૂતોને પણ પોષાય એવું ‘બાઇક સાંતી કમ વાવણીયો’ બનાવ્યો છે. તેમણે બનાવેલું આ બાઇક સાંતી મિનિ ટ્રેક્ટર અને બળદનો વિકલ્પ બની રહ્યું છે. ખેતી ખર્ચ ઘટાડે છે.

જયેશ સગર દશ ધોરણ નાપાસ છે અને વડિલોપાર્જિત છ વીઘા જમીન ધરાવે છે. તેમણે જણાવ્યુ કે, “હું દશમા ધોરણમાં નાપાસ થયો એટલે મારી પાસે કોઇ કામ નહોતુ. ખેતી મોંઘી થતા ખેડૂતોને બળદ અને મિનિ ટ્રેક્ટર પણ પોષાય એમ નથી. મને વિચાર આવ્યો કે, એવુ કશુંક બનાવીએ જેથી 4-6 વીઘા જમીન રાખતા ખેડૂતો પણ આ સાધન વસાવી શકે. કેમ કે, મોટા ટ્રેક્ટર 8થી 9 લાખ રૂપિયામાં આવે છે. મિનિ ટ્રેક્ટર ખરીદો તો અઢી લાખ જેટલો ખર્ચ થઇ જાય છે. એટલે મેં સેકન્ડ હેન્ડ બાઇકને કન્વર્ટ કરી તેનો ખેતીમાં હળ હાંકવા અને વાવણી કરવા માટે એક મોડેલ બનાવ્યું. આ મોડેલને ખેડૂતોએ અપનાવ્યું અને સફળતા મળતી.”

જયેશ સગર કહે છે કે, “ખેડૂત સેકન્ડ હેન્ડ બાઇક લઇને આવે તો હું તેમને 35,000 અને 37,000 એમ બે પ્રકારના મોડેલ તૈયાર કરી આપું છું. 100 સીસીથી ઉપરના કોઇ પણ બાઇક જેવા કે, બજાજ, હોન્ડા, પલ્સર, બુલેટ, રાજદૂતનો ઉપયોગને આ મોડેલ બનાવવામાં કામ લાગે છે. જૂના સેકન્ડ હેન્ડ બાઇક પાંચ હજારમાં મળી જાય છે. અમારો અનુભવ છે કે, આ બાઇક સાંતી કમ વાવણીયો ખેડૂતોને ખુબ સસ્તો પડે છે. કેમ કે, તે પેટ્રોલથી ચાલે છે. આ ઉપરાતં, હું 200 રૂપિયામાં છ વીઘા જમીનને હાંકી કે વાવણી શકું છું. પણ જો હું આટલી જ જમીન ભાડેથી હંકાવુ તો 1200 થાય. વળી, આ બાઇક સાંતિનો મલ્ટિપર્પઝ ઉપયોગ છે. તેમા રિવર્સ ગિયર નાંખવામાં આવ્યો છે. જેથી નાનું ખેતર હોય તો પણ આસાનીથી ખેડી શકાય છે”.

છેલ્લા ત્રણ વર્ષમાં તેમણે 45થી વધુ આવા બાઇક સાંતી બનાવીને ખેડૂતોને વેચ્યા છે. પોરબંદર, રાજકોટ, જામનગર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો તેમણે બનાવેલા આ બાઇક સાંતિનો ઉપયોગ કરે છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ટ્રેક્ટરના વિકલ્પ તરીકે બુલેટ સાંતિ (સનેડો), છકડાનો તો ખેતીમાં ઉપયોગ કર્યો જ છે પણ હવે જયેશ સગર જેવા ઇનોવેટરે બાઇકનો પણ તેમાં ઉપયોગ કરતા ખેતીની ઇન્પુટ કોસ્ટ ઘટશે એવી ખેડૂતોને આશા છે અને એમ કહો કે, આ જ ‘મેઇક ઇન ઇન્ડિયા છે’.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!