સુરતની શેરીઓમાં 2006 બાદ ફરી પૂરના પાણી, ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી 70 હજાર ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતના ડાયમંડ સિટીમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2006ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શહેરની પાંચ ખાડીઓ પૈકીની ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જ્યારે એક ખાડી ઓવરફ્લો થવા આવી છે. કાલે સવારે 6થી 2 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 4 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સાથે જિલ્લાના માંગરોળમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉકાઈ ડેમમાંથી પણ હાલ 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.14 દરવાજા 1.50 ફૂટ અને 5 દરવાજા 2 ફૂટ એમ 19 ખોલીને 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરમાંથી પાણી તાપી નદીમાં ન જાય તો ભયાનક પરિસ્થિતિ થઈ શકે છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને પાલિકા કમિશનર સાથે વાત કરી વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. આ સાથે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા આદેશ કર્યો છે. ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપી છે. આ સાથે ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના પણ આપી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોના બાદ હવે આકાશમાંથી આફત વરસી રહી છે. જિલ્લામાં દેમાર વરસાદના કારણે લિંબાયતની મીઠી ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. જ્યારે કમરૂનગર વિસ્તારમાં કમર સુધીના પાણી આવી જતાં લોકોએ પરિવાર સાથે જાતે જ સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું છે. કમરૂનગર બાદ લિંબાયતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ ખાડીના પાણી પ્રવેશવાનું શરૂ થતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. 2006ના પૂર વખતે મીઠી ખાડીની સપાટી 8.85 હતી. જ્યારે આજે મીઠી ખાડીની સપાટી 8.90 મીટરે પહોંચી ગઈ છે. જેથી ખાડી પૂરના અસરગ્રસ્તોને 2006ના પૂરની યાદ અપાવી છે.

સુરતમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ છે. મીઠી ખાડીની સપાટી વધવાની સાથે લિંબાયતના કમરૂનગરમાં પણ ખાડીના પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. ખાડી ઓવરફ્લો થતાં લિંબાયતના અનેક રસ્તાઓ પર નદી વહેતી હોય તેમ ધસમસતાં પાણી વહી રહ્યા છે. ખાડી ભયજનક સપાટી વટાવી લોકોના ઘર સુધી પાણી આવી જતા પાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજી પણ જિલ્લામાં વરસાદ દેમાર પડતો હોવાથી ખાડીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે સાંજ સુધીમાં લિંબાયત, ડુંભાલ અને મગોબના અનેક વિસ્તારની હાલત કફોડી થઈ જાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

લિંબાયતના કમરૂ નગરમાં હાલ ગળા ડૂબ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે
લિંબાયતના કમરૂ નગરમાં હાલ ગળા ડૂબ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. જ્યારે બમરોલી વિસ્તારમાં પણ ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. આ સાથે સણીયા હેમદ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. સણીયા હેમદ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગે બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગતરોજ સવારે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં વધુ 4 ઈંચ વરસાદ પડ્યો છે. હજુ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખાડીઓના લેવલ હુજ પણ ઉપર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ઉકાઈ ડેમની સપાટી 332.30 ફૂટ, 1,36,732 ક્યુસેક પાણીની આવક
ઉકાઈ ડેમની સપાટી હાલ 332.30 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે 1,36,732 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 છે જ્યારે 345 ફૂટ સુધી ઉકાઈ ડેમ ભરી શકાય છે.

ખાડીની સપાટી

  • કાંકરા ખાડી- 6.60 મીટર પર, ભયજનક સપાટી 6.50 મીટર છે.
  • ભેદવાડ ખાડી-7.00 મીટર પર, ભયજનક સપાટી 6.75 મીટર છે.
  • મીઠી ખાડી- 8.90 મીટર પર, ભયજનક સપાટી 7.50 મીટર છે.
  • ભાઠેના ખાડી-7.00 મીટર, ભયજનક સપાટી 7.70 મીટર છે.
  • સીમાડા ખાડી- 5.50 મીટર, ભયજનક સપાટી 5.40 મીટર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો