સુરતની ઘટના પછી બાળકોની સુરક્ષા માટે એડમિશન પહેલાં જ ચોકસાઈ રાખવા માટે વાલી મંડળે ખાસ ફોર્મ તૈયાર કર્યું

અમદાવાદ: વાલીઓએ બાળકનું સ્કૂલ કે ટ્યૂશન ક્લાસમાં એડમિશન લેતાં પહેલાં કલાસીસ સંચાલક પાસેથી બાંયધરી પત્રક મેળવી લેવાની ભલામણ વાલી મંડળે કરી છે. આ માટે વાલી મંડળે 12 મુદ્દાનું ફોર્મ પણ જાહેર કર્યું છે. એડમિશન પહેલા આ ફોર્મ સ્કૂલ સંચાલક અથવા ક્લાસીસ સંચાલક પાસે ભરાવવાની સલાહ અપાઈ છે. તમામ માહિતી બાદ વાલીને લાગે તો જ એડમિશન કન્ફર્મ કરે, જો ક્લાસીસ અથવા સ્કૂલોમાં ફેસેલિટીનો અભાવ હોય તો વાલી મંડળની મદદ માંગી શકે છે.

સુરતની ઘટના પછી વાલી મંડળો ફાયર એનઓસી અને સિક્યુરિટી અંગે ચિંતિત છે. દરેક વાલીએ બાળકને સ્કૂલ અથવા ક્લાસીસમાં એડમિશન લેતા પહેલા જાહેર કરેલા ફોર્મના મુદ્દા વિશે જાણકારી મેળવી લેવી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, અમે દરેક વાલીને જણાવ્યું છે કે ક્લાસીસ અને સ્કૂલ પાસેથી બાંયધરી લો જેથી ક્લાસીસ સંચાલકો છટકી ન શકે. બીજી તરફ ક્લાસીસ બંધ રાખવાના જાહેરનામાના વિરોધમાં ક્લાસીસ સંચાલકો સોમવારે સવારે ટાઉન હોલથી રેલી કાઢી આવેદન આપશે.

ક્લાસીસ 12 બાંયધરી આપે તો જ પ્રવેશ લેવા વાલીને સલાહ

બાંયધરી પત્રકમાં આ મુદ્દા સમાવાયા

1. તમે શાળા અને ટ્યુશન ખોલવાની મંજુરી શિક્ષણ વિભાગના ધારા ધોરણ પ્રમાણે લીધેલ છે?

2. તમારુ બાંધકામ કાયદેસર છે?

3. શાળા- ટ્યૂશનના શિક્ષકો પાસે બીએડ્ની ડિગ્રી છે?

4. એક કલાસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસાડશો?

5. વોશરૂમની સુવિધા છે?

6. વાતાવરણ હવા ઉજાસવાળું છે?

7. એક ક્લાસમાં કેટલા પંખા છે?

8. ફાયર સેફ્ટી છે?

9. ઇમરજન્સી એક્ઝિટ છે?

10. પીવાના પાણીની વ્યવસ્થા છે?

11. પાર્કિંગની વ્યવસ્થા છે?

12. રમત-ગમતનું મેદાન છે?

ક્લાસીસ પર પ્રતિબંધનો ભંગ કરનારા નિકોલના 2 સંચાલક સામે ગુનો નોંધાયો

નિકોલ પોલીસ શનિવારે સવારે નિકોલ રાજહંસ સિનેમા ચાર રસ્તા પાસેના પિરામીડ ક્લાસીસ પ્રતિબંધ છતાં ચાલુ હોવાથી સંચાલક અરવિંદ જૈન અને કઠવાડામાં પ્રજાપતિ વાસમાં જ્ઞાન જ્યોતી ગ્રુપ ટ્યૂશન ક્લાસીસના સંચાલક સંજય પ્રજાપતિ સામે જાહેર નામાનો ભંગનો કેસ કર્યો છે. જ્યારે શાહીબાગ શ્રી મહાપ્રભુજી સોસાયટીમાં રહેતા જતીન પટેલ ઘરે ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. પડોશી સુભાષચંદ્રએ ક્લાસીસ બંધ કરવા કહેતા ઝઘડો થયો હતો. સુભાષચંદ્રએ જતીન પટેલ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફાયર સેફ્ટી નહીં ધરાવતા શહેરના વધુ 663 ટ્યૂશન ક્લાસીસને નોટિસ

સુરતની ઘટના બાદ ફાયર સેફ્ટી સિવાયના ટ્યૂશન ક્લાસ સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં રવિવારે અમદાવાદમાં વધુ 663 ટ્યૂશન ક્લાસને નોટિસ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં આ અભિયાન ચાલુ રહેશે. બે દિવસમાં જ 2119 ક્લાસને નોટિસ મળી છે. સુરતમાં બનેલી આગની ઘટનાને પગલે અમદાવાદમાં પણ ટ્યૂશન ક્લાસ સામે ફાયર સેફ્ટીની સુવિધાના મામલે પગલાં હાથ ધરવામાં આવ્યાં છે.શનિવારે 1456 ટ્યૂશન ક્લાસને અપાયેલી નોટિસબાદ આજે બીજા વધારે 663 ટ્યૂશન ક્લાસને નોટિસ આપવામાં આવી હતી.

ફાયર સેફ્ટી ન ધરાવતી 62 હોટેલને પણ નોટિસ

શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ફાયર સુવિધાઓ સિવાયના 62 જેટલા હોટેલ- રેસ્ટોરાંને મ્યુનિ.એ નોટિસ પાઠવી છે. તેમને તત્કાલ ફાયર સેફ્ટીની સુવિધાઓ વસાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.મ્યુનિ. હેલ્થ વિભાગે શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ ફાયર સેફ્ટીની સુવિધાઓ સિવાય ધમધમતા હોટેલ- રેસ્ટોરાંને નોટિસો પાઠવી છે. સુરતની ધટના બાદ હરકતમાં આવેલા મ્યુનિ. તંત્ર દ્વારા જ્યાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાગરિકોની અવરજવર રહેતી હોય તેવા હોટેલ-રેસ્ટોરાંમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા લગાવવી ફરજિયાત છે.

શહેરમાં મોટાભાગનાં ટ્યૂશન ક્લાસ બંધ

ફાયર સેફ્ટીની સુવિધા નહીં ધરાવતા ટ્યૂશન ક્લાસ સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં જ્યારે પણ મ્યુનિ. ટીમ કોઇ પણ ટ્યૂશન ક્લાસ પર પહોંચે ત્યારે તે મોટાભાગે બંધ હોય છે. જેને કારણે મ્યુનિ. તંત્ર ટ્યૂશન ક્લાસીસના દરવાજે નોટિસો ચિપકાવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો