FIR અને PM કેમ નથી? કહીને વીમા કંપની એક્સિડેન્ટલ ડેથમાં ક્લેમ રીજેક્ટ ન કરી શકે

અમદાવાદઃ કન્ઝ્યુમર કોર્ટે તાજેતરમાં ઓર્ડર આપતા વીમા કંપનીને તેના ગ્રાહકને રુ. 1 લાખની રકમ આપવા આદેશ આપ્યો છે. આ પહેલા કંપનીએ મહિલાના દાવાને એટલા માટે નકારી કાઢ્યો હતો કે તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું પણ આ અંગેની FIR, પંચનામા અને પોસ્ટમોર્ટમ નોટ નહોતી. કંપનીની આ દલીલને કોર્ટે ‘હાઇપર ટેક્નિકાલિટી’ જણાવી ફગાવી દીધી હતી.

જરુરી છે પણ ફરજીયાત નથી
મહેસાણાના આ કેસમાં જિલ્લા કન્ઝ્યુમર કોર્ટ પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, ‘ઇન્સ્યોરન્સ કંપની મુજબ અકસ્માતના કેસમાં વીમાની ચૂકવણી માટે FIR, પંચનામું, પોર્ટમોર્ટમ નોટ જરુરી છે. પણ આ એક હાઈપર ટેક્નિકાલિટી છે. આ ડોક્યુમેન્ટ સબૂત તરીકે હોવા જરુરી છે પણ તે ફરજીયાત હોવા જ જરુરી નથી.’

પરિવારને ખબર જ નહોતી કે વીમા ક્લેમ માટે પોસ્ટમોર્ટમ કરાવવું પડે
ઉંઝામાં રહેતા ભાવના પટેલ(44) દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના પતિ જાન્યુઆરી 2016માં એક રોડ અકસ્માતનો ભોગ બન્યા બાદ 18 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર પછી મૃત્યુ પામ્યા હતા. આ સમયે અમને કોઈને ખબર નહોતી કે વીમાની રકમ મેળવવા માટે પોસ્ટમોર્ટમ કરાવવું જરુરી છે અમે તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

કંપનીને વીમાની રકમ આપવાની ના પાડી દીધી
તેમના પતિ શ્રી ઉમિયામાતા દેશ યુવક મંડળના સભ્ય હોઈ તેમને રુ.1 લાખનું એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ કવર મળ્યું હતું. જ્યારે ભાવનાબેને આ માટે ક્લેમ કર્યો તો કંપનીએ એવું કહીને વીમાની રકમ આપવાની ના પાડી દીધી હતી કે તેમના પતિનું એક્સિડેન્ટમાં જ મૃત્યુ થયું છે તે અંગે સાબિતી આપતો ગકોઈ પુરાવો નથી જેથી આ ક્લેમ મંજૂર થઈ શકે નહીં.

ગ્રાહક સુરક્ષા કોર્ટે કંપનીને કહ્યું ‘હાયપર ટેક્નિકાલિટીમાં ન ઉતરો’
જ્યારે સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પહોંચ્યો ત્યારે પણ કંપનીએ કહ્યું કે આ ત્રણ ડોક્યુમેન્ટ્સ વગર તેઓ ક્લેમ પાસ કરી શકે નહીં કેમ કે નિયમાનુસાર આ ડૉક્યુમેન્ટ્સ જરુરી છે. જ્યારે ફરિયાદીના વકીલે કહ્યું હતું કે, ‘જે ડૉક્ટરે મૃતક કમલેશની સારવાર કરી હતી તેઓ પણ એક્સિડેન્ટ અંગે જાણે છે અને તેમણે પોલીસને પણ જાણકારી આપી હતી પરંતુ કમલેશ મૃત્યુ સુધી કોમામાં રહેવાથી પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. તેમજ કાયદાની દ્રષ્ટીએ એક્સિડેન્ટલ ડેથમાં પોસ્ટમોર્ટમ જરુરી નથી. તેમજ એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હોય ત્યારે સાબિતી માટે પોર્ટમોર્ટમ રિપોર્ટ ફરજીયાત પણ નથી.’


કંપનીને વીમાની રકમ ચૂકવવા કર્યો આદેશ

બંને તરફની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, ‘આ કેસમાં મૃતકના પત્ની કરતા વધારે જવાબદારી પોલીસ અધિકારીઓની બને છે. જેઓ આ કેસની તપાસ કરી હતી તેમણે આ તમામ બાબતની જાણકારી પરીવારને આપીને પોસ્ટમોર્ટમ કરાવવું જોઈતું હતું. પણ જ્યારે હવે પોસ્ટમોર્ટમ નથી થયું ત્યારે પણ ક્લેમની રકમ ચૂકવવા માટે કંપની ના પાડી શકે નહીં કેમ કે આ રિપોર્ટ હોવા જ જોઈએ તેવું ફરજીયાત ક્યાંય કાયદામાં કહેવામાં આવ્યું નથી.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો