હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે કચડતાં મહિલા પોલીસકર્મી અને તેના પતિનું મોત, 7 માસના ટ્વિન્સે ગુમાવ્યા માંબાપ

પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતાં હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં ઘટનાસ્થળે બંનેના મોત થયા હતા.જેને પગલે 7 માસના ટ્વિન્સે માબાપ ગુમાવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.12/11/19 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે હિંમતનગર જીઆઇડીસીથી સાબરડેરી તરફ જતા સર્વીસ રોડ પર એક્ટીવા નં.જી.જે-9-સી.યુ-8774 ઉપર જઇ રહેલ જીજ્ઞેશભાઇ ભગાભાઇ પટેલ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એમ.ઓ.બી. બ્રાન્ચમાં ફરજ બજાવતા તેમના પત્ની શીતલબેન પટેલને પીપલોદી નજીક હોન્ડા શોરૂમ પાસે આયશર નં.જી.જે-9-ઝેડ-6467 ના ચાલકે ટક્કર મારતા જીજ્ઞેશભાઇ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત શીતલબેનને 108 માં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેમનુ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતુ. આયશર ચાલક અકસ્માત સર્જીને આયશર લઇને ફરાર થઇ ગયો હતો અને ઘટના સ્થળ થી થોડેક આગળ આયશર મૂકીને ફરાર થઇ ગયો હતો.

હિંમતનગર બીડીવીઝનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અને તેના પતિનુ કરુણ મોત નીપજતા પોલીસ બેડામાં પણ ગમગીની છવાઇ હતી. બંનેની લાશ બુધવારે વડવાસા ગામે લઇ જવાતા માતાના હૈયાફાટ રૂદનથી હાજર સૌ કોઇની આંખો ભીની થઇ હતી બીડીવી પીએસઆઇ ગઢવીએ અને પોલીસ સ્ટાફે વડવાસા જઇ અંતિમ સંસ્કાર અગાઉ પ્રણાલીગત સલામી આપી હતી.

મહિલાના દુપટ્ટાના ટુકડાના આધારે આઈસર ઝડપાયું

પીપલોદી નજીક અકસ્માતમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટક્કર મારી ભાગી છૂટેલ વાહનની તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી ટર્બો લખેલ પ્લાસ્ટીકનો ટુકડો હાથ લાગ્યા બાદ 200 મીટર જેટલા અંતરે અંધારામાં એક આયશર મળ્યુ હતુ જેની જમણી બાજુની હેડલાઇટમાં ફસાયેલ મૃતક શીતલબેનના દુપટ્ટાનો ટુકડા મળી આવ્યો હતો.

7 માસના બે જોડિયા બાળકો નોંધારા બન્યા

મૃતક શીતલબેન પટેલ દોઢ માસ અગાઉ જ મેટરનીટી લીવ પરથી હાજર થયા હતા તેમના પતિ જીજ્ઞેશકુમાર અમદાવાદ એરપોર્ટ પર પ્રાયવેટ આઉટ સોર્સીંગ એજન્સીમાં નોકરી કરતા હતા. સાતેક માસ અગાઉ બાબો-બેબી ટ્વીન્સનો જન્મ થતા પરીવારમાં ખૂશાલી આવી હતી. બંને બાળકો શીતલબેનના પિયર સોનાસણમાં હતા. અકસ્માતમાં બંનેનું મોત નીપજતા વિધવા માતાએ એકના એક પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા છે તો 7 માસના બંને બાળકોએ માતા પિતાની છત્ર-છાયા ગુમાવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો