ગાંધીનગરના ત્રણ યુવાનોને રાજસ્થાનના કુંભલગઢમાં મોટો અકસ્માત, કાર તળાવમાં ડૂબી, 3ના મોત

રાજસ્થાનના કુંભલગઢ ફરવા આવેલા ગાંધીનગરના ઉવારસદ અને સોનારડા ગામના 3 યુવકની કાર રવિવારે રાત્રે અંધારામાં ઓડા તળાવમાં ખાબકી હતી, જેમાં 2 યુવાનનાં મૃત્યુ થયાં હતાં જ્યારે 1 યુવકનો મૃતદેહ મળી શક્યો નથી. ત્રણેય યુવાન કુંભલગઢથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મંગળવારે સાંજ સુધી સ્થાનિક તરવૈયાઓએ ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામના મંથન ઘનશ્યામ પટેલ (23) અને સોનારડા ગામના રોનક પ્રવીણભાઈ પટેલ (26)ના મૃતદેહો તળાવમાંથી કાઢ્યા હતા. જોકે, રાત થઈ જતાં અન્ય યુવક સોનેડાના નિલેશ પટેલ (23)નો મૃતદેહ અને કાર શોધી શકાયાં નથી. મંથન અને પ્રવીણ મામા-ફઈના ભાઈ છે જ્યારે નિલેશ તેમનો મિત્ર છે.

ત્રણેય યુવકના પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈએ ફોન રિસીવ ન કરતાં ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. બાદમાં મંગળવારે સાંજે રોનકના મામાનો દીકરો એક મિત્ર સાથે કેલવાડા પહોંચ્યો અને ત્રણેય યુવકના મોબાઇલનું લોકેશન ઓડા આવતું હોવાનું જણાવતાં પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં તળાવના વળાંક પર કારનાં ટાયરનાં નિશાન અને તળાવની દીવાલ તૂટી હોવાનું મળી આવતાં કાર તળાવમાં ખાબકી હોવાનું અનુમાન કર્યું હતું. ત્યાર પછી તરવૈયાઓની મદદથી મંથન અને રોનકના મૃતદેહ શોધ્યા હતા.

ત્રણેય યુવકના મિત્રોએ પોલીસને આપેલી વિગત મુજબ ત્રણેય યુવક રવિવારે સવારે ઉદયપુર ફરવા ગયા હતા. એકાએક તેમણે કુંભલગઢ ફરવા જવાનું નક્કી કર્યું હતું. રાતના અંધારામાં ત્રણેય રસ્તો ભૂલી જતાં મિત્રોને ફોન કર્યો હતો. બાદમાં રસ્તો મળી ગયા બાદ મોડી રાત સુધી ફોન આવ્યો નહોતો.

એકના એક પુત્રો મંથન અને રોનકનાં 6 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં

ત્રણેય યુવક પરિણીત છે જ્યારે એકના એક પુત્રો મંથન અને રોનકનાં 6 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. મંથન ઉવારસદ ડેન્ટલ હૉસ્પિટલમાં નોકરી કરતો હતો જ્યારે રોનકને ટ્રાન્સપોર્ટ અને ખેતીનો વ્યવસાય હતો. તેમના મિત્ર નિલેશ પટેલને સબ મર્સિબલ પમ્પનો વ્યવસાય હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો