હાડકાંની ગંભીર બીમારીથી પીડાતો સુરતના કીમનો નવ વર્ષીય પ્રિન્સ ગીતાના પાંચ અધ્યાય બોલે છે મોંઢે

કીમમાં રહેતો 9 વર્ષીય પ્રિન્સ સ્કેલેટલ ડિસ્પ્લેસિયા નામની જન્મજાત બીમારી પીડાય છે. પ્રિન્સને ગંભીર બીમારી હોવા છતાં અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. અભ્યાસની અદભુત લગની વચ્ચે ત્રણ વર્ષ ઘરેજ માતાએ શિક્ષણ આપ્યુંને હવે કીમની શાળામાં એડમિશન લઈ આચાર્યની ઓફિસમાં સેટી પર સુતા સુતા ધોરણ 4માં અભ્યાસ કરી રહ્યો છે. હાડકા તૂટી જવાની ગંભીર બીમારી વચ્ચે અભ્યાસનું મક્કમ મનોબળ, માતા- પિતાની પુત્ર પ્રત્યેની સંભાળ અને શાળાના શિક્ષકોની શૈક્ષણિક સમર્પિતતાના સથવારે પ્રિન્સ સંઘર્ષમય જીવનને સહર્ષ સ્વીકારી અન્યો માટે પ્રેરણાદાયી બન્યો છે.

પ્રિન્સ સામાન્ય બાળકોની જેમ બેસી નથી શકતો

આ અંગે મળતી વિગત મુજબ કીમ જીવનધારા સોસાયટીમાં ઘણા વર્ષોથી દિલીપભાઈ મંત્રી પોતાના પરિવાર સાથે રહે છે. તેમના બે દીકરા પૈકી નાનો દીકરો પ્રિન્સ મંત્રી જન્મથી કેલેટેલ ડિસ્પ્લેઝીયા નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. પરંતુ આ બીમારી તેના અભ્યાસ પ્રત્યેના સતત ઉત્સાહક પ્રયાસોથી આજે આ બીમારીને તેણે હરાવી ધોરણ 4માં અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થી પ્રિન્સ મંત્રી કીમની પી. કે. દેસાઈ વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે. પ્રિન્સ બીજા બાળકો કરતા ખૂબ નાજુક છે. પ્રિન્સ સામાન્ય બાળકોની જેમ બેસી નથી શકતો. આવી પરિસ્થિતિને કારણે પ્રિન્સને આચાર્યની ઓફિસમાં જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

પ્રિન્સને ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ તેની માતાએ ઘરે જ કરાવ્યું. અત્યારે આવી પરિસ્થિતીમાં પણ પ્રિન્સની ભણવાની તાલાવેલી શાળાના બાળકો સાથે શિક્ષકોને પણ પ્રભાવિત કર્યા છે. શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય મંગલાબેન પોતાની ઓફિસમાં જ શિક્ષકોના પ્રયાસ થકી પ્રિન્સને શિક્ષણ પૂરું પાડી રહયા છે. જેનો ખર્ચ પણ શાળા પોતે ઉઠાવી રહી છે. જે ખુબજ આવકારપાત્ર બાબત બની છે. જે બાળક ચાલી ન શકે, બેસી ન શકે એ બાળકની તેજસ્વીતાને જોઈ શાળાના તેમજ પડોશીઓ તમામ લોકો મોમાં આંગળા નાંખ્યા છે. પ્રિન્સ ભલે આવી ગંભીર બીમારીથી પીડાતો હોય પરંતુ પ્રિન્સ ભણવામાં સ્વસ્થ વિદ્યાર્થીઓને સરમાવે એટલો હોશિયાર છે. પ્રિન્સની તેજસ્વીતાની વાત કરીએ તો પ્રિન્સ ભગવદ્દ ગીતાના ૫ અધ્યાય સંસ્કૃતમાં મોઢે બોલે છે. કાવ્ય, ગીતો મોઢે છે. ત્યારે શાળામાં ભણવાની તાલાવેલી સાથે હવે રેગ્યુલર વિધાર્થી તરીકે શાળામાં અભ્યાસ કરી રહેલ છે.

જન્મથી હાડકાંની બીમારી છે

માતા કામિનીબેને જણાવ્યુ હતું કે, પ્રિન્સના જન્મ સમયે ડોકટરે કહ્યું હતું કે બેન તમારા બાળકમાં હાડકાની ગંભીર બીમારી છે.હાડકા પોચા અને ચપ્પટ છે. જરાક વાગશે તો તેને ફેક્ચર થશે. તેથી તેની અમે ખૂબ કાળજી રાખી રહ્યા છે. તેથી તેને પેન્સિલ પકડતા શીખવ્યું, મોબાઈલ શીખવ્યો, વાંચતા લખતા શીખવ્યું, ત્યારબાદ ગીતાના અધ્યાય શીખવ્યા આજે તેને પાંચ અધ્યાયના શ્લોક મોઢે છે. માત્ર સૂતો જ રહેતો હોય તેથી તેને ત્રણ ધોરણ સુધી પોતે ઘરે અભ્યાસ કરાવ્યો. શાળામાં ભણવાની ઈચ્છા થતા હવે તેનું કીમ પી.કે.દેસાઈ શાળામાં અભ્યાસ કરવા મુક્યો છે.

પ્રથમ નંબરના છોકરા જેટલો હોશિયાર

પી.કે.દેસાઈ વિદ્યાલયના આચાર્યા મંગલાબેન સીસોદીયાએ જણાવ્યુ હતું કે, વેકેશનમાં પ્રિન્સના પિતા શાળામાં આવેલા જે બાદ અમે શાળામાં પરીક્ષા લઈ તેને ધોરણ 4 માં પ્રવેશ આપ્યો. તેની આગલા ધોરણની પરીક્ષા લીધી તો શિક્ષકોએ કહ્યું બેન આ બાળક અભ્યાસમાં આપણી શાળાના પ્રથમ નંબરના છોકરા જેટલો હોશિયાર છે. 4 ધોરણમાં એડમિશન પહેલા તેની 3 ધોરણની પરીક્ષા લીધી જેમાં તેના અંગ્રેજીમાં 80 માર્ક્સ માંથી 80 માર્ક્સ આવ્યા, ગુજરાતીમાં 75, પર્યાવરણમાં 69 સહિત વિષયોમાં હોશિયાર જોવા મળ્યો. બાળકો પ્રિન્સમાંથી પ્રેરણા લેશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો