ભચાઉ: લક્ઝરી-ટ્રેક્ટર અથડાતાં 9નાં મોત, તમામ મૃતકો પાટિદાર પરિવારના

ભચાઉ: ભચાઉ નજીકના શિકરા ગામ પાસે ટ્રેક્ટર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના 9 લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગ પહેલા મામેરીયાઓના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો.

સવારે થયેલા અકસ્માતની જાણ થતાં ભચાઉથી વિવિધ સંગઠનોના કાર્યકર્તા દોડી ગયા હતા. તો અકસ્માતને પગલે વાગડના લેવા પાટીદાર સમાજમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બહોળી સંખ્યામાં મુંબઈ વસતા પટેલ સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. શિકારા ગામમાં થયેલા અકસ્માતથી મોતથી એક સાથે 9ના મોત થવાથી શોકનો માહોલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના ભચાઉના શિકરા પાસે લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. એક પરિવાર લગ્ન પ્રસંગ હોઈ મામેરુ ભરવા જઈ રહ્યો હતો. પરિવાર ટ્રેક્ટરમાં સવાર હતો, અને લક્ઝરી સામેથી કાળ બનીને આવી હતી. હજી આ અકસ્માત કેવી રીતે થયો તેનું ખરુ કારણ જાણી શકાયું નથી, પરંતુ અકસ્માતમાં ઘટના સ્થળે 9 લોકોના મોત નિપજ્યાછે. જેમાં 7 મહિલાઓ અને 1 બાળક હોવાનું જાણવા મળ્યું છે. તેમજ 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના 9 લોકોના મોત થયા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગમખ્વાર અકસ્માતને જોતા મૃતકોની સંખ્યા વધુ શકે તેવી શક્યતાઓ છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા મળતી માહિતી મુજબ શિકરા ગામનો પટેલ પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જતો હતો. ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. શિકરા ગામથી થોડે દૂર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના સ્થળ પર જ મોત થયા હતા.

શિકરાના સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગામનાં નાનજીભાઈ સવજીભાઈ અનાવડીયા (પટેલ)નો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર જતો હતો. ત્યારે કુંભારડી તરફથી આવેલી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનામાં સાત મહિલા અને 1 બાળક સહિત નવ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા. મૃતકોના નામ આ પ્રમાણે છે.

(1) કંકુબેન ભીમાભાઈ અનાવાડીયા (ઉ.વ.60, રહે. શિકરા)

(2) પમીબેન નરસિંહભાઈ અનાવાડીયા (ઉ.વ.55, રહે. શિકરા)

(3) જિજ્ઞાબેન ઈશ્વરભાઈ ભુટક (ઉ.વ.25, રહે. વીજપાસર)

(4) દયાબેન મુળજીભાઈ અનાવાડીયા (ઉ.વ.35, રહે. શિકરા)

(5) માનાબેન રતાભાઈ અનાવાડીયા (ઉ.વ.50, રહે. શિકરા)

(6) નીશાબેન પેથાભાઈ અનાવાડીયા (ઉ.વ.17, રહે. શિકરા)

(7) રમાબેન માદેવાભાઈ અનાવાડીયા (ઉ.વ.60, રહે. શિકરા)

(8) કિશોર મુળજીભાઈ અનાવાડીયા (ઉ.વ.10, રહે. શિકરા)

(9) વિશાલ રમેશ અનાવાડીયા (ઉ.વ.20, રહે. શિકરા)

(10) નાનજીભાઈ અનાવાડીયા (રહે. શિકરા)

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે અને એમના પરિવાર ને હિમ્મત આપે એજ પ્રાથના…

ૐ શાંતિ…

—————————————–

 

અંતિમયાત્રામાં ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?

માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતીક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહ્યાગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઈ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો, ‘રામ બોલો ભાઈ રામ’ નો ઉચ્ચાર વાતાવરણને ભારેખર તેમજ માનવને અસ્વસ્થ અને ગ્લાનિપૂર્ણ બનાવે છે.

માનવ મૃત્યુથી ખૂબ ગભરાય છે કારણ કે તે મૃત્યુને અમાંગલિક ઘટના ગણે છે. જીવન તરફ જોવાની સુયોગ્ય દ્રષ્ટિ જો કેળવાય તો માનવને મૃત્યુમાં રહેલું માંગલ્ય સમજાય. જીવન એટલે શિવનું જીવને મળવા આવવું અને મૃત્યુ એટલે જીવનું શિવને મળવા જવું. કદાચ તેથી જ આપણા શાસ્ત્રકારોએ ભગવાન શિવજીનું નિવાસસ્થાન સ્મશાન કલ્પ્યું હશે. મરવું-સ્મશાન જવું એટલે ભગવાન શિવજી પાસે જવું. આ રહસ્ય વિચાર આપીને શાસ્ત્રકારોએ માનવની મરણની ભીતિ ઓછી કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.

ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?………

દોણીમાં અગ્નિ ઘરેથી લઈ જવા પાછળ પણ એક સુંદર ભાગ છે. જે અગ્નિએ મને આજીવન સંભાળ્યો, પાળ્યો, પોષ્યો, પોતે સળગીને મને જીવન આપ્યું તે અગ્નિની જ્વાળામાં જ બળવામાં જીવનની કૃતાર્થતા છે. એ પાપનાશક અગ્નિ મારાં પાપો ધોઈ નાખશે.

સંત કબીર પણ મૃત્યુના પ્રસંગને  એક કન્યાનાં લગ્ન પ્રસંગ સાથે સરખાવે છે;

कर बे शृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा ;
मिट्टी उढावन मिट्टी बिछावन, मिट्टी मे मिल जाना होगा l
नहा ले धो ले शीश गुंथा ले, फिर वहा से नहीं आना होगा ll

મરણના દુ:ખને કન્યા વિદાયનાં દુ:ખ સાથે સરખાવી શકાય. નવવધૂને પતિગૃહે જાવનું દુ:ખ નથી, ઊલટો આનંદ છે; દુ:ખ તો છે પિયર છોડવાનું તે જ રીતે મરનારને જ્યાં જવાનું છે તેનું દુ:ખ રહેવાનું કારણ નહીં, પરંતુ અહીં બાંધેલા ભાવસંબંધો છોડીને જવું પડે છે તેથી તેનું હ્રદય વ્યથિત થાય છે. મૃત્યુ ન હોત તો જીવનનો આટલો મહિમા જ ન હોત. જેનું જીવન પ્રભુકાર્યમાં વિત્યું છે તે મૃત્યુથી ડરતો નથી. આ દેહ નશ્વર છે , જે માટીમાંથી આવ્યો છે તેમજ માટીમાં ભળી જશે. તેથી તેમાં આસક્તિ રાખવી યોગ્ય નથી. મોટા મોટા ધુરંધરો પણ માટીમાં રગદોળાઈ ગયા છે. તેની ઈતિહાસ સાક્ષિ પૂરે છે.

દોણી માણસને શું શીખ આપે છે……

માનવદેહની નશ્વરતા(ક્ષણભંગુરતા) તરફ ધ્યાન ખેંચતી આ દોણી માનવને, જીવનને તુચ્છ સમજવાની નકારાત્મક દ્રષ્ટિ આપે છે એવું નથી. પરંતુ ક્ષણભંગુર દેહથી પણ માનવે સત્કાર્ય સાધી લેવા જોઈએ, તેને માટે સાવધ કરે છે. માનવનું જીવન ક્ષણિક છે પરંતુ ક્ષણિક હોવાથી જીવનને તુચ્છ સમજીને ફેંકી દેવું એ મૂર્ખતા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો