અમદાવાદમાં વેન્ટિલેટર ન મળતાં 52 વર્ષીય કનૈયાલાલનું તરફડિયા મારીને મોત, દર્દીના મામાએ કહ્યું, અમે આ દેશના નાગરિક છીએ, પાકિસ્તાનથી નથી આવ્યા

અમદાવાદ શહેરના નરોડા ખાતે રહેતાં ૫૨ વર્ષીય કનૈયાલાલ કિશનચંદ તેજવાનીનું વેન્ટિલેટરના અભાવે તરફડિયા મારીને મોત થયું છે. ૨૧મી એપ્રિલના વહેલી સવારે ૪થી ૪.૩૦ વાગ્યાના અરસામાં સાબરમતી નજીકની મેડિલિંક હોસ્પિટલ ખાતે આ દર્દીનું મોત થયું છે. મૃતકના મામા કનૈયાલાલ પાગરાનીએ રડમસ આંખે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે, આ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ન હતો, શહેરની બીજી હોસ્પિટલોમાં વેન્ટિલેટર બેડ ખાલી નહોતા, ૧૦૮ને પણ બે ત્રણ દિવસથી અમે ફોન કરતાં રહ્યા કે, હોસ્પિટલમાં દર્દીની તબીયત ક્રિટિકલ છે, બીજે શિફ્ટ કરવામાં અમને મદદ કરે, પણ ૧૦૮ એમ્બ્યુલન્સના નિયમોની જડતાના કારણે હોસ્પિટલે દર્દીને લેવા આવી જ નહિ, ૧૦૮નો એક જ સૂર રહ્યો કે, અમે હોસ્પિટલથી નહિ પણ ઘરેથી જ દર્દીઓને હોસ્પિટલ લઈ જઈએ છીએ.

કનૈયાલાલ તેજવાનીનોનો કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ ૧૬મી એપ્રિલે આવ્યો હતો, દર્દીને તાવ હતો, સારવાર માટે એ જ દિવસે મેડિલિંક હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, દર્દીના ૪૦ ટકા ફેફસાંને અસર થઈ હતી, દર્દીની તબીયત ક્રિટિકલ થઈ ત્યારે હોસ્પિટલે બીજે શિફ્ટ કરવા માટે કહ્યું હતું. જોકે બીજે શિફ્ટ કરવા માટે ૧૦૮ની મદદ માગી, જે તેના નિયમોના કારણે છેક સુધી મળી નહિ. વેન્ટિલેટર બેડ માટે પૈસા ખર્ચવા તૈયાર હતા, છતાં દર્દીને વેન્ટિલેટર બેડ મળ્યું નહિ. દર્દીના મામા કનૈયાલાલે કહ્યું કે, અમે આ દેશના નાગરિક છીએ, પાકિસ્તાનથી નથી આવ્યા, ૧૦૮ સેવાનો અમારો અધિકાર છે, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ દર્દીને લેવા ૧૦૮ પણ ના આવી શકે? અમને વેન્ટિલેટર બેડ પણ ના મળ્યું તેના કારણે સ્વજનનું મોત થયું છે. આ રીતે શહેરમાં સંખ્યાબંધ લોકોના મોત થઈ રહ્યા છે. સાબરમતી ખાતેની જે હોસ્પિટલમાં દાખલ હતા ત્યાં સારવાર પણ યોગ્ય ન હોવાના સગાંએ આક્ષેપ કર્યો છે. અમારા સ્વજનની સ્થિતિ શરૂઆતમાં એટલીયે ખરાબ નહોતી કે મોતને ભેટે. દાખલ થતી વખતે ઓક્સિજન લેવલ ૯૫ હતું, અંતે ૭૨ થયું હતું.

ખાનગી હોસ્પિ.માં માંડ બે વેન્ટિ., ૩ ICU બેડ ખાલી

શહેરની ખાનગી ૧૬૨ કોવિડ હોસ્પિટલોમાં કુલ બેડ કેપેસિટી ૫,૫૪૯ છે, જેમાંથી ફક્ત બે વેન્ટિલેટર બેડ બુધવાર સાંજે પાંચ વાગ્યાની સ્થિતિએ ખાલી છે, આ ઉપરાંત ત્રણ આઈસીયુ બેડ ખાલી છે, એકંદરે શહેરની મોટી ગણાતી ખાનગી હોસ્પિટલોમાં તો એકેયે વેન્ટિલેટર કે આઈસીયુ બેડ ખાલી નથી. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં અત્યારે ૩૯૯ દર્દીઓ વેન્ટિલેટર બેડ ઉપર સારવાર લઈ રહ્યા છે જ્યારે બે બેડ ખાલી છે, આવી જ સ્થિતિ વેન્ટિલેટર વગરના આઈસીયુ બેડની છે, આઈસીયુમાં ૮૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે, માંડ ૩ બેડ ખાલી છે.

સિવિલ કેમ્પસની હોસ્પિટલોમાં ૨,૩૯૫ દર્દીઓ સારવાર હેઠળ

સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલોમાં બુધવારે સાંજે છ વાગ્યાની સ્થિતિએ ૨,૩૯૫ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં ૧૧૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે, સિવિલ કેમ્પસની કિડની ઈન્સ્ટિટયૂટમાં ૧૬૨ દર્દી, મંજુશ્રી કેમ્પસની નવી કિડની હોસ્પિટલમાં ૪૩૬ દર્દી, કેન્સર હોસ્પિટલમાં ૧૮૫ દર્દી અને યુએન મહેતા હોસ્પિટલમાં ૪૫૨ કોરોના દર્દી સારવાર લઈ રહ્યા છે, સિવિલ કેમ્પસની હોસ્પિટલો કોવિડ દર્દીઓથી છલકાઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો