ઉત્તરાયણમાં ધાબા પર 50 લોકોને એકઠાં થવાની મંજૂરી નહીં; પણ ભીડ ભેગી કરનારા નેતાઓ સામે સરકાર ચૂપ આવો ભેદભાવ કેમ?
ઉત્તરાયણ આડે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાની જાહેરાત કરી છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર ચૂપ છે. ઉત્તરાયણ અંગે બે દિવસમાં એસઓપી જાહેર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની કોર કમિટીમાં ઉત્તરાયણમાં શું છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લઈશું.
એકસાથે 50 લોકોની મંજૂરી નહીં અપાય
અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, ઉત્તરાયણમાં એક અગાશી પર 50થી વધુ લોકો એકઠા થવાની મંજૂરી મળશે નહીં,આમ છતાં ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરાશે. પટેલે એવી હૈયાધારણ આપી હતી કે, રાજયના તમામ નાગરિકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત અને ગુજરાતની ઓળખ ગણાતા પતંગોત્સવ કોરોનાને કારણે નહીં યોજવાનો સરકારે નિર્ણય લીધો છે. પણ, સરકાર દ્વારા પોતાના ધાબા પર, ટેરેસ પર, અગાશી પર કે પોળમાં છાપરા પર કઇ રીતે પતંગ ઉડાડવાની મંજૂરી આપવી તે બાબતે સરકારની કોર કમિટીમાં નિર્ણય લેવાશે. આ બાબતે હજુ સુધી સરકારે કોઇ વિચારણા કરી નથી કે નિર્ણય લીધો નથી. આમછતા દરેક વ્યકિત પોતાના જ ધાબા પર એટલે કે એક પરિવારના 5થી7 લોકો તેમની અગાશી પર પતંગ ઉડાવી શકે તે દિશામાં વિચારણા થઇ રહીં છે. એક જ સોસાયટીના 50 લોકો એક જ ધાબા પર એકઠા થાય તેવી મંજૂરી અપાશે નહીં.
કેવા પ્રકારની મંજૂરી મળી શકે
- એક પરિવારને તેમના જ પોતાના ધાબા પર 5થી7 વ્યકિત
- એક જ ધાબા પર 50 જેટલા લોકોને મંજૂરી નહીં
- એક જ રસોડે જમતા હોય તેવી વ્યકિત તેમના ધાબા પર પતંગ ચગાવી શકે
સરકાર, આ શપથ યાદ રાખે
હું ભય અથવા પક્ષપાત, અનુરાગ કે દ્વેષ વિના દરેક પ્રકારના વ્યક્તિ વિશે સંવિધાન અને વિધી અનુસાર કાર્ય કરીશ.
પ્રજાના તહેવાર ધોવાયા
માર્ચ પછી રામનવમી, રથયાત્રા, ઇદ, મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, દીવાળી, બેસતુ વર્ષ, ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યૂ યર અને હવે ઉત્તરાયણ.
…નેતાઓને ખૂલ્લી છૂટ આપી
કોરોના દરમિયાન રાજ્યસભા ચૂંટણી, પેટા ચૂંટણી, પાટીલની પ્રમુખ થયા પછીની રાજ્ય વ્યાપી યાત્રા, બધા નાના-મોટા નેતાની રેલીઓ, સંતાનોની સગાઈ કાર્યક્રમ અને હવે પાલિકા ચૂંટણીની તૈયારીઓ
કોરોના અટકાવવા માટે અમે (પ્રજા) દરેક કડકાઈ માટે તૈયાર છીએ પણ આમનું શું?
પ્રજા પૂછે છે માસ્ક વિના ફરતા લોકો પાસેથી તમે કરોડોનો દંડ વસૂલ્યો, પણ હાઈકોર્ટ અને દેશના વડાપ્રધાનના કહેવા છતાં એક પણ નેતા સામે પગલાં ભર્યા?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

