રેશનિંગની દુકાનમાં રબ્બરના અંગૂઠાની નકલી ફિંગરપ્રિન્ટથી ગરીબોનું અનાજ છીનવવાના કૌભાંડમાં રાજકોટના 5 વેપારી પકડાયા

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગત ડિસેમ્બરમાં બોગસ રબ્બરના થમ્બના આધારે રેશનિંગનું અનાજ હડપ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડનો ગત ડિસેમ્બરમાં પર્દાફાશ કર્યા બાદ ગુરૂવારે રાજકોટ શહેરમાંથી સસ્તા અનાજના ચાર વેપારી અને પુરવઠા વિભાગના ઓપરેટરને ઉઠાવી લીધો હતો અને તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના પીઆઇ એસ.આર.મુછાળે જણાવ્યું હતું કે રેશનકાર્ડધારકોનો ડેટા મેળવી તે ડેટાના આધારે રેશનકાર્ડના ખોટા બિલ બનાવવા માટે રબ્બર જેવા મટિરિયલ્સનો ઉપયોગ કરી રેશનકાર્ડધારકોના અંગૂઠાના ફિંગરપ્રિન્ટ બનાવી તેનું વેચાણ કરતો હોવાની બાતમીની આધારે ભરત લક્ષ્મણ ચૌધરી (રે.ગાંધીનગર)ની ધરપકડ કરાયા બાદ આ કૌભાંડ છતું થયું હતું અને તેમાં તેના અન્ય બે સાગરીતો ધવલ રાજેશ પટેલ અને દુષ્યંત ભાનુભાઇ પરમારની ધરપકડ કરી હતી. રાજ્યવ્યાપી ઓ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 42 આરોપીઓ પકડાઇ ચૂક્યા છે અને તેમાં રાજકોટના 11 આરોપીઓનો સમાવેશ થાય છે.

રાજકોટમાંથી ઉઠાવાયેલા 4 વેપારીઓ અને ઓપરેટર

રાજકોટમાંથી પકડાયેલા સસ્તા અનાજના વેપારીઓમાં હસમુખ નાનજીભાઇ રાણા(ઉ.વ.49, રે.કુળદેવી કૃપા, ઇસ્કોન મીલની સામે, રૈયા રોડ, સરસ્વતી પાર્ક), દિલીપ ઉર્ફે દીપક વલ્લભભાઇ દેસાઇ (ઉ.49,રે.આસોપાલવપાર્ક સોસાયટી, સાધુવાસવાણી રોડ,), અનિલ ભૂપતભાઇ જેઠવા(ઉ.વ.44, રે.ચામુંડા નિવાસ, કિંગ્સલેન્ડ પાર્ક પ્લોટ નં.61, માયાણી ચોક, ચંદ્રેશનગર મેઇન રોડ), રવિરાજ હિરજીભાઇ પીપળિયા(ઉ.વ.30, રે.વાંકાનેર સોસાયટી, જામનગર રોડ) અને ઓપરેટર વિજય વિઠ્ઠલ પવાર(ઉ.વ.33, રે.પુનીતનગર-2, બજરંગવાડી પાછળ, જામનગર રોડ)નો સમાવેશ થાય છે.

હરિયાણામાંથી ડેટા મેળવી કૌભાંડ આચરાયું

સૂત્રધાર ભરત ચૌધરી અગાઉ સસ્તા અનાજની દુકાનમાં કામ કરતો હતો અને ત્યારે પણ સરકારની ટેકનોલોજીમાં ખોટું શું થઇ શકે તેના પ્રયાસ કરતો હતો અને ત્યારબાદ આ કૌભાંડ માટે હરિયાણામાં જઇ ‘તમારા આયુષ્યમાન કાર્ડ કાઢી આપીશું’ તેવી લાલચ આપી 20 હજાર લોકોના અંગૂઠા અને આધારકાર્ડનો ડેટા એકઠો કરી લીધો હતો.

યુ-ટયૂબ પરથી ખોટો અંગૂઠો બનાવતા શીખ્યો

આરોપી ભરત યુ-ટયૂબ પર અલગ-અલગ વીડિયો જોઇ તેની મદદથી ખોટો રબ્બરનો અંગૂઠો બનાવતા શીખ્યો હતો. આરોપીએ થમ્બ સ્કેનર એપ્લિકેશન બનાવી મોબાઈલમાં થમ્બની છાપ લીધા બાદ પ્લાસ્ટિક પર એમ્બોસ કરી તેને રબ્બર પર લેવામાં આવતી હતી. આ રીતે ખોટો રબ્બરનો અંગૂઠો તૈયાર કરાતો હતો.

ઓપરેટરોની મદદથી એન્ટ્રી કરાતી હતી

આરોપીઓ દરેક જિલ્લાના રેશનિંગના પરવાનેદારોને મળતા હતા અને તેમના કેટલા રેશનકાર્ડધારકો સસ્તા અનાજનો જથ્થો લેતા નથી તે મુજબ તેમને અંગૂઠા રૂ.200થી 700ના ભાવે વેચતા હતા. ત્યારબાદ જે ગ્રાહકો રેશનિંગનો જથ્થો લેતા ન હોય તેના ફિંગરની જગ્યાએ નવો અંગૂઠો ચડાવી દેતા હતા અને તેમાં ઓપરેટરની મદદ લેવાતી હતી.

રેશનિંગના લાભાર્થીઓને પરેશાની નહીં થાય: DSO

ખોટા થમ્બથી અનાજનો જથ્થો વેચવાના કૌભાંડ મામલે જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને પરેશાની નહીં થાય, જે દુકાનો પરવાનેદારને કારણે ખુલી શકે તેમ નહિ હોય ત્યાં ચાર્જ આપીને પણ રેશનિંગનો જથ્થો લોકો સુધી પહોંચાડવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો