બે દિવસમાં ગુજરાતમાં 13 અકસ્માતમાં NRI સહિત 31ના મોત, રવિવારે જ 28ના મોત, અકસ્માત પાછળ ધુમ્મસભર્યું વાતાવરણ, રસ્તાઓ તેમજ ચાલકની બેદરકારી મુખ્ય કારણ

બેદિવસ ગુજરાત માટે કપરા રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અંદાજે 15થી વધુ અકસ્માત થયા છે. આ દુર્ઘટનાઓમાં NRI સહિત 31થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રવિવારે 28ના જ્યારે આજે(સોમવાર)3 લોકોના મોત થયા છે.જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા આસપાસની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. અકસ્માત પાછળ ધુમ્મસભર્યું વાતાવરણ, રસ્તાઓ તેમજ ચાલકની બેદરકારી મુખ્ય કારણ જણાય રહ્યું છે. દુર્ઘટનામાં કોઇએ આખો પરિવાર તો કોઇએ માતા-પિતા કે ભાઇ-બહેન ગુમાવતા રવિવારનો દિવસ શોકમય બન્યો હતો. રાજ્યનો ભાગ્યે જ કોઇ જિલ્લો બાકી હશે જ્યાં આકસ્મિક ઘટના નહી ઘટી હોય.

લીંબડી: સોમનાથ દર્શન કરી પરત ફરતા અમદાવાદના પરિવારના પાંચના મોત

લીંબડી હાઇવે ઉપર દેવપરા ગામ પાસે રવિવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યકિતના મોત થયાનો બનાવ બનતા અરેરાટી ફેલાઇ ગઇ હતી. અમદાવાદ રહેતા પરિવારના સભ્યો સોમનાથ દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ડ્રાઇવરને જોકુ આવી જતા કાર ડિવાઇડર કુદીને સામે આવતા ડંપર સાથે અથડાતા કરણાંતીકા સર્જાઇ હતી. દુર્ઘટના અંગે કાર માલિકે જણાવ્યું કે, મેં રાત્રે નીકળવાની ડ્રાઈવરને ના પાડી હતી પરંતુ પરિવારે ડ્રાઈવરની વાત ન માની અને સવારે અંબાજી દર્શન કરવા માટે જવાનું હતુ આથી રાત્રીની મુસાફરીનું જોખમ લીધુ હતું. આ બનાવમાં અન્ય પાંચ વ્યકિતને ઇજા થતા સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.

બાવળા: મીઠાપુર ગામનાં પાટીયા પાસેનો અકસ્માત: ત્રણ NRIના મોત

બાવળા તાલુકાના મીઠાપુર ગામનાં પાટીયા પાસે ટવેરા કાર ડમ્પર પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ NRI વ્યકિતઓનાં ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં. જ્યારે ચાલકને ગંભીર ઇજા થવા પામી છે. ઘટનાની જાણ બગોદરા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઈને અકસ્માતનો ગુનો નોંધી લાશોને પી.એમ.માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 4નાં મોત

દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતમાં અલગ અલગ બનાવમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં મોટી ખરજ ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એક 26 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે કતવારા પોલીસ મથકની હદમાં ક્રુઝરની અડફેટે એકનું મોત તથા ઇનોવા અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે રંધીકપુરના ખુટા રોડ ઉપર બસની અડફેટે બાઇક સવારનું મોત નિપજ્યું હતું.

તાપી: ટ્રકે આગળ ચાલતી બાઇકને અડફેટમાં લેતાં યુવકનું મોત

તાપી જિલ્લાના વાલોડ ગામના રહેતો યુવક મોટરસાઈક પર તેની સામે રહેતી યુવતી સાથે સુરતથી પલસાણા થઇ એના ગામેથી પસાર થતા હતા. તે અરસામાં ટ્રક ચાલકે મોટરસાઈકને પાછળથી અડફતે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ યુવતીને ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

કીમ: ટ્રેનની અડફટે યુવકનું મોત

કીમ રેલવે સ્ટેશન પર સાંજના સમયે 4 વાગ્યાની આસપાસ રાબેતા મુજબ કીમ રેલવે સ્ટેશન પર થી હમ સફર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી.એ દરમિયાન રેલવે પાટા પરથી પસાર થતો અજાણ્યો યુવક હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા હવામાં ફંગોળાઇ ને પટકાયો હતો. અકસ્માત થતા યુવકનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ રેલવે પોલીસે સ્થળ વિઝિટ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના મીઠોઇ નજીક માલગાડી કારને અડધો કિમી ઢસડી ગઈ

જામનગર: જામનગરના મીઠોઇ પાસે માનવરહિત ફાટક પર માલવાહક ટ્રેનએ કારની ટક્કર થઈ હતી, જેમાં માલગાડી કારને અડધો કિલોમીટર સુધી રેલવે ટ્રેક પર ઢસડી ગઈ હતી. આ ટક્કરમાં કાર ચલાવતા હોટલમાલિક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે બે યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.

વડોદરા: પિલોલ-અલીન્દ્રા વચ્ચે ટ્રેનમાંથી પડેલા યુવકનું મોત

રવિવારે બપોરે ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે એક યુવકનું મોત નિપજ્યું હતું. આ યુવકની ઓળખ થઇ શકી નથી. પિલોલ અને અલીન્દ્રા રેલવે સ્ટેશનની વચ્ચે પસાર થઇ રહેલી એક ટ્રેનમાં મુસાફરી કરી રહેલો 35 વર્ષનો એક યુવક ચાલુ ટ્રેનમાંથી પડી જતાં ટ્રેક નીચે આવી જતાં કપાઇ ગયો હતો.તેના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં લાવવામાં આવ્યો છે.

સાવલી: સાવલીના બહુથા પાસે ડમ્પર સાથે અકસ્માત થતાં કાર ચાલકનું મોત

સાવલી-વડોદરા રોડ પર બહુથા ગામ પાસે મીની નદીના પુલ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલક પૂરઝડપે ગફલત ભરી રીતે આવતા ડમ્પરના ચાલકે અડફેટે લેતા કારનો આગળને નુકસાન થયું હતું અને કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં કાર ચલાવતા દિનકર પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડતા મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

શહેરા: કારચાલકે માતા-પુત્રને અટફેટે લેતા 6 વર્ષના પુત્રનું મોત થયું

શહેરા ગોધરા હાઇવે ઉપર દલવાડા પાટીયા પાસે એક કારચાલકે બે રાહદારીને અડફેટે લીધા હતા જેમાં છ વર્ષના બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બાળકની માતાને શરીરે સામાન્ય ઈજા થઈ હતી અકસ્માત થયા બાદ કાર ચાલક કાર મુકી ને ફરાર થઈ ગયો હતો. પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

દેવગઢ બારિયા: સીંગેડી ગામે રેતી ભરેલી ઓવરલોડ ટ્રક-બાઈકનો અકસ્માત થતા 3ના મોત

દેવગઢ બારીયા તાલુકામાં રેતીભરેલી ટ્રકો ઓવરલોડ ભરેલ હોવાથી બેફામ હંકારે છે.જેના લીધે અવારનવાર અકસ્માતો થાય છે . સિંગેડી ગામે આજરોજ ઓવરલોડ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો .જેમાં મેધનગરના કાલિયાવિરન ગામના રહેવાસી રમસુભાઈ મુનિયા, પત્ની પુનાબેન અને બાળકી શેનુબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતમાં ઘોઘાના સંજયભાઇ મુનિયા ઘાયલ થતા તેમને દવાખાને ખસેડવાની આવ્યા હતાં.

રાજકોટ: ટ્રકની ઠોકરથી બાઇક પાછળ બેઠેલા વૃદ્ધાનું પુલ પરથી નીચે પટકાતાં મોત

શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ચોકડીએ વધુ એક અકસ્માતના બનાવમાં ટ્રકે બાઇકને ઠોકર મારતા પતિના બાઇક પર પાછળ બેઠેલા વૃદ્ધા ફંગોળાઇને પુલ નીચે પટકાતાં મોત નીપજ્યું છે. જ્યારે પતિ અને 4 વર્ષની બાળકીને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આણંદ: પણસોરા હોટલ પાસે ટ્રક પાછળ બાઇક ઘૂસતાં 1નું મોત

ડાકોર નડિયાદ રોડ પર પણસોરા ચોકડી નજીક એક હોટલ પર રોડની બાજુમાં એક ટ્રક ઉભી રહી હતી. શનિવાર મોડી રાત્રે બાઇક લઇને યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે રાત્રીના અંધારામાં રોડની સાઇડ પર ઉભેલી ટ્રક ન દેખાતા ટ્રકની પાછળ બાઇક ઘુસી ગયું હતું. જેથી બાઇક ચાલકને માથાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

મહેસાણા: પિતાની ગાડી નીચે જ બે વર્ષની પુત્રીનું મોત નીપજ્યું

મહેસાણા તાલુકાના મેઉ ગામમાં પિતાની ગાડી નીચે તેમની જ બે વર્ષની દીકરી કચડાઇને મોતને ભેટી હોવાની હ્રદયને હચમચાવી નાખતી ઘટના બની છે. પિતા ઘર આગળ ઇકો ગાડી રિવર્સ લઇ રહ્યા હતા, ત્યારે પાછળ ઊભી રહેલી તેમની બે વર્ષની દીકરી ગાડીના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાના કારણે તેનું મોત થયું હતું.

અમીરગઢ: અમીરગઢના આરાસુરી પાસે જીપની ટક્કર વાગતાં બાઇક ચાલકનું મોત
અમીરગઢના આરાસુરી નજીક રવિવારે વહેલી સવારે રાજસ્થાનથી ગાજર ભરીને જતી ટ્રક પલટી જતાં રોડ પર પડેલી હોવાથી એક સાઇડનો રસ્તો બંધ થઇ જતાં મોડી સાંજે જીપ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

રાધનપુર: રાધનપુરના કલ્યાણપુરા પાસે વાહનની ટક્કરે મહિલાનું મોત
રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામના પાટિયા પાસે રવિવારે સવારે આઠ વાગ્યાંના સુમારે ભલુડિયાં ગામની સાઈઠ વર્ષીય મહિલા પાર્વતીબેન વસ્તાભાઈ નિરાશ્રીત ઠાકોર બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરવા જતાં હતા એ સમય દરમિયાન પુરઝડપે આવી રહેલા જીપ ડાલાએ જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. રેફરલ હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ કરીને સગાઓને સોંપવામાં આવી હતી.

પોરબંદર: કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખંભાળાના યુવાનનું મોત

રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના જુના પાટીયા પાસે હાઇવે રોડ પર એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ખંભાળા ગામના બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યુ હતુ. ચાલકે પોતાની કાર બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી યુવાનના બાઇક સાથે ભટકાવી કાર ચાલક નાશી છૂટ્યો હતો.

જૂનાગઢ: સરદારબાગ પાસે અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મોત

જૂનાગઢ શહેરના સરદારબાગ નજીક સ્કુટર લઇને જતા દંપતિને મેટાડોર ચાલકે ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. પત્નીને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મેટાડોર ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો