અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાનને મજબૂર કરવા પાછળ આ ત્રણ દેશોનું મહત્વનું યોગદાન

ભારતનો વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન દેશની ધરતી પર પરત ફર્યા છે. દુશ્મન પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે જરા પણ મચક ન આપી હેમખેમ ભારત આવી પહોંચ્યો છે. ત્યારે દુશ્મનના કબજામાંથી ભારતના વીરને છોડવવા માટે ભારતની સફળ કૂટનીતિ કામ લાગી છે. ભારતની સફળ કૂટનીતિએ જ પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા માટે મજબૂર બનાવ્યું. આ કૂટનીતિમાં મહત્વનો સહકાર આપ્યો અમેરિકા, UAE અને સાઉદી અરેબિયાએ ભારત સાથે આ ત્રણ દેશનો દબાણને કારણે જ આપણી વીર રણબંકો આપણને પરત મળ્યો છે.

ઇમરાન ખાન દ્વારા ભારતીય પાયલટ અભિનંદન વર્ધમાનની મુક્તિની જાહેરાત બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય દબાણના કારણે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરૂવારે જાહેરાત કરી કે, પાકિસ્તાન ભારતીય પાયલટ અભિનંદનને શુક્રવારે મુક્ત કરશે.

અભિનંદનની મુક્તિ પાછળ ત્રણ દેશોનું મહત્વનું યોગદાન

વીટીવીને સુત્રો પાસેથી મળેલી આધારભૂત જાણકારી મુજબ ભારતીય પાયલટ અભિનંદનને પરત મોકલવા પાછળ અમેરિકા, સંયુક્ત અરબ અમિરાત અને સાઉદી અરેબિયાનું મોટું યોગદાન છે. આ ત્રણ દેશોના દબાણના કારણે જ પાકિસ્તાને ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને બે દિવસ બાદ જ ભારતને સોંપવાની જાહેરાત કરી હતી. જો કે, આ પ્રયાસો પર ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અભિનંદનની મુક્તિમાં અમેરિકાની મહત્વની ભૂમિકા

વોશિંગ્ટને ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઘટાડવા અને પાયલટની મુક્તિમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. કારણ કે, ઇમરાન ખાનની જાહેરાત પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે હનોઇમાં વર્લ્ડ મીડિયાને કહ્યું કે હતું કે ભારત અને પાકિસ્તાન તરફથી ખૂબ જ સારાં સમાચાર આવશે. પત્રકારના સવાલોના જવાબમાં કહ્યું કે, અમે ભારત-પાકિસ્તાનના તણાવને ઘટાડવાના પ્રયત્નોમાં સામેલ રહ્યા છીએ અને અમારી પાસે ભારત-પાકિસ્તાન તરફથી ઘણાં સારાં સમાચાર આવશે તેવી ખાસ માહિતી છે. બહુ ઝડપથી આ બંને દેશોની વચ્ચે તણાવ ઘટશે.

NSA અજીત ડોભાલ સાથે ગુરૂવારે થઇ હતી 25 મિનીટ વાત

અમેરિકાની ભૂમિકાને એક રિપોર્ટ્સના આધારે સમજી શકાય છે કે, અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુરૂવારે સવારે અંદાજિત 25 મિનિટ સુધી વાતચીત કરી હતી. આ વાતચીતમાં વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિની લઈ ચર્ચા થઈ હતી.

સંયુક્ત અરબ અમિરાતે આપ્યું મહત્વનું યોગદાન

વિંગ કમાન્ડરની મુક્તિને લઈ સંયુક્ત અરબ અમિરાતે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. સંયુક્ત અરબ અમિરાત ભારતનું મહત્વનું સહયોગી રહ્યું છે. સંયુક્ત અરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને ગુરૂવારની સાંજે એક ટ્વીટ કરી હતી. જે અનુસાર, તેઓએ ભારતીય પ્રધાનમંત્રી અને પાકિસ્તાની પ્રધાનમંત્રીને ફોન કર્યો અને વર્તમાન સ્થિતિ સાથે સમજદારી પૂર્વક વર્તન કરવા માટે સંવાદ અને સંચારને પ્રાથમિકતા આપવા ભાર મુક્યો હતો.

સાઉદી અરેબિયાની પણ રહી ભાગીદારી

વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ માટે ત્રીજો મહત્વનો દેશ હતો સાઉદી અરેબિયા. જેને સાર્વજનિક રીતે પુલવામા આતંકી હુમલા બાદ વધેલા તણાવને ખતમ કરવામાં મદદની વાત કરી હતી. સાઉદી અરેબિયાના વિદેશ મામલાના રાજ્યમંત્રી અડેલ અલ જુબિર ક્રાઉન પ્રિન્સેના મહત્વપૂર્ણ સંદેશની સાથે ઇસ્લામાબાદ માટે ઉડાન ભરશે. બીજી તરફ ભારતમાં સાઉદીના એમ્બેસેડરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેના પરથી સમજી શકાય કે સાઉદીએ પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પણ સામેલ

અન્ય દેશોમાં બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પણ સામેલ છે, જેણે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના સતત પ્રયત્નો કર્યા. એટલું જ નહીં, આ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના ચીફ મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માટે એક પ્રસ્તાવ પણ મુક્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને રશિયાએ પણ ભારતને સહકાર આપતા પાકિસ્તાન પર દબાણ બનાવ્યું હતું કે તમે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરો.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન પાઈલોટ અભિનંદનને મુક્ત કરવા માટે કેટલીક શરતો રાખવા માંગતુ હતું. પરંતુ પાકિસ્તાનની શરતોનું પાલન કરવા ભારતે ચોખ્ખી ના પાડી દીધી હતી અને કહ્યું હતું કોઈ પણ ડીલ વગર અમારા પાઈલોટને પરત આપી દો. જો અમારા પાઈલોટને કંઈ પણ થયું તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. ભારતની આ ગર્ભિત ચેતવણી બાદ અને વૈશ્વિક દબાણને કારણે પાકિસ્તાન કોઈ પણ શરત વગર આખરે વિંગ કમાન્ડરને મુક્ત કરવા રાજી થયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો