સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળીને 271 સિક્યુરિટી ગાર્ડ કોરોના સામેના જંગમાં અમુલ્ય યોગદાન આપી રહ્યા છે
કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જેમાંથી 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં સતત આઠ કલાક PPE કીટ પહેરીને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલના કોરોના વોરિયર કહી શકાય એવાં સુરક્ષાકર્મીઓમાંથી બે સિક્યુરિટી ગાર્ડ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી સારવાર મેળવી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં બાદ ફરી એક વાર પોતાની ફરજ પર જોડાઈ ગયા છે. CCTV કેમેરાની મદદથી પણ વોચ રાખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે ફરજ પર હાજર
પૂર્વ એરફોર્સ ઓફિસર અને સિવિલ હોસ્પિટલમાં ચીફ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, હું 8 જુલાઈથી સિવિલ હોસ્પિટલમાં ચીફ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજમાં મુકાયો છું. સિવિલ હોસ્પિટલના તમામ સિક્યુરિટી કર્મચારીઓના મેનેજમેન્ટની જવાબદારી સંભાળી રહ્યો છું. કુલ 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે ફરજ ઉપર રહે છે. સિવિલમાં આવતાં દર્દીઓ અને તેમના સગાવ્હાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફની સુરક્ષા, વાહનો, એમ્બ્યુલન્સની સુરક્ષા તેમજ ટ્રાફિક કંટ્રોલની કામગીરી પણ નિભાવીએ છીએ.
ડોક્ટરો જીવના જોખમે મહેનત કરી રહ્યાં છે, તો હું કેમ નહિ?
કોરોનામુક્ત ગાર્ડ મનસુખભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના માત્ર ફરજને વફાદાર રહેતા સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમણનો પણ ભોગ બન્યા હતા, આમ છતાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને ફરી પાછાં ફરજ પર હાજર થઈ ગયા છે. આવા જ એક કોરોનામુક્ત થઈને ફરજ નિભાવી રહેલાં સિક્યુરિટી ગાર્ડ મનસુખભાઈ પરમારે જણાવ્યું હતું કે, હું મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાજિયાવદર ગામનો વતની છું, અને સુરતમાં વર્ષોથી અમરોલીમાં પરિવાર સાથે રહું છું. છેલ્લા દોઢ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ પર છું. કોરોનાના કારણે અમારી સુરક્ષા જવાબદારીમાં પણ વધારો થયો છે. મને સિવિલ નં.12 ઉપર ફરજ પર હતો, એ દરમિયાન મને કોરોનાના લક્ષણ દેખાતા સિવિલમાં તપાસ દરમિયાન 15 જૂને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલમાં સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત ગંભીર થતાં એક મહિનો ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરોએ મને સ્વસ્થ કર્યો અને 23 જુલાઇના રોજ નેગેટિવ રિપોર્ટ આવતાં ૨૪મી જુલાઈએ ડિસ્ચાર્જ થઈ ઘરે પરત ફર્યો હતો. ૧૫ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહી સંપૂર્ણ સ્વસ્થ થયાં પછી ફરી એક વાર ફરજ પર હાજર થયો છું. તેમણે ગૌરવથી કહ્યું કે, સિવિલના ડોક્ટરો પોતાનો જીવ જોખમમાં મુકી દિવસરાત દર્દીઓને સ્વસ્થ કરવા મહેનત કરી રહ્યાં છે, તો હું કેમ નહિ? જેથી કોરોનામુક્ત થાય બાદ 15 દિવસ પછી પોતાની ફરજ પર હાજર થયો છું.
સ્વસ્થ થઈને ઘરે બેસી રહેવું યોગ્ય ન લાગતાં સેવામાં લાગી ગયો
કોરોના વોરિયર વિરમભાઇ પરડવાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ધોરાજી અને હાલ સુરતમાં વરાછા ખાતે રહેતા અન્ય એક કોરોનામુક્ત થઈને ફરજ નિભાવી રહેલાં સિક્યુરિટી ગાર્ડ વિરમભાઇ લાલજીભાઈ પરડવાએ જણાવ્યું હતું કે, હું નવી સિવિલમાં દોઢ વર્ષની સિક્યુરિટી ગાર્ડની નોકરી દરમિયાન અનેક પ્રકારના દર્દીઓ જોયાં, પરંતુ કોરોના જેવો ચેપી રોગ પહેલીવાર જોયો છે. જેનો હું પણ ભોગ બની ચૂક્યો છું, તેમજ સારવાર લઈને સ્વસ્થ થઈ ચૂક્યો છું. હાલ કોરોનાની પરિસ્થિતિમાં પણ એક પણ રજા પાડ્યા વગર ફરજ નિભાવી રહ્યો હતો એ દરમિયાન જ 9 જુલાઈના રોજ મને શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાયાં હતા. સિવિલમાં રિપોર્ટ કઢાંવતા કોરોના પોઝિટિવ હોવાથી 15 દિવસ સારવાર લીધી હતી. 23 જુલાઇના રોજ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રજા અપાઈ હતી, ત્યારબાદ ઘરે માત્ર ત્રણ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થયો છું, અને કોઈ શારીરિક તકલીફ ન હોવાનું લાગ્યું, જેથી 25 જુલાઈએ ફરજ પર હાજર થયો છું. સિવિલમાં હાલ અમારૂં કામ વધ્યું હોવાથી મને ઘરે બેસી રહેવું યોગ્ય ન લાગતાં સેવામાં લાગી ગયો છું.
ઘરના સભ્યો નોકરી કરવાની ના પાડે છે
રોશનસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે, કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રોશનસિંગ હરેરામસિંગ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી સિવિલના કોવિડ વોર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત છું. સતત આઠ કલાક પીપીઈ કીટ પહેરી સેવા કરૂ છું. આઠ કલાક પીપીઈ કીટ પહેરીને કામ કરવું મુશ્કેલ છે. આઠ કલાકમાં અમે ભોજન અને પાણીની પણ પરવા કર્યા વિના ફરજ બજાવીએ છીએ. પરિવારના લોકો નોકરી કરવાની ના પાડતા હતા, પરંતુ મને રોજીરોટી આપનાર સિવિલ હોસ્પિટલને મુશ્કેલીના સમયમાં છોડીને જવાનું યોગ્ય નથી. સંકટના સમયમાં પણ મારી ફરજ બજાવવી એ નૈતિક ધર્મ છે એવું હું શીખ્યો છું. જેથી કોરોનાની મહામારીમાં પણ હું સેવા કરવાનું ચૂકીશ નહિ.
કપડા ગરમ પાણી વડે જાતે જ ધોઈ નાખું
ગાર્ડ જગદીશભાઈ સૈદાણે જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ જગદીશભાઈ સૈદાણે જણાવે છે કે, છેલ્લા ત્રણ મહિનાથી કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ફરજ નિભાવતો હતો, કોવિડ વોર્ડમાં ફરજ દરમિયાન મારી તબિયત બગડતા હાલ હોસ્પિટલ તંત્રની સલાહથી મને કોવિડ હોસ્પિટલના પ્રવેશ દ્વારા પર ડ્યુટી આપવામાં આવી છે. મારા બે દીકરા છે, તેમજ પરિવારમાં કોઈને ઇન્ફેકશન ના લાગે એટલે હું ઘરે પહોંચ્યા બાદ કોઈની સાથે મળવા કે વાતચીત કર્યા વગર સીધો બાથરૂમમાં જઈ મારા કપડા ગરમ પાણીમાં બોળી જાતે જ ધોઈ નાખું છું, ત્યારબાદ સ્નાન કરી કપડા બદલી પરિવાર સાથે બેસું છું.
તમામની સલામતી જળવાઈ રહે એ માટે સતત પ્રયત્નશીલ
સિક્યુરીટી વ્યવસ્થાપક તારિક સિદાત ખુર્શીદે જણાવ્યું હતું કે, હું કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનું મેનેજમેન્ટનું કામ કરૂ છું. કોરોનાની શરૂઆતથી જ કામ કરી રહ્યો છું. ઘણીવાર કોઈ દર્દીના સગાં સિક્યુરિટી ગાર્ડ સાથે તકરાર પણ કરે છે, જેમને શાંત પાડવાનું કામ પણ કરું છું, સાથે સિક્યુરિટી ગાર્ડને પણ દર્દીઓના સગા સંબંધીઓ સાથે કેવી રીતે વાત કરી સમજાવવા તે અંગે શીખવી રહ્યો છું. હવે સાવચેતીના પગલાં અચૂક લેતા હોવાથી હવે ડર લાગતો નથી. સિવિલમાં કોઈ પણ ડોક્ટર્સ, સ્ટાફ કે દર્દીઓના પરિવારજનોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

