પાટણ શહેરમાં 1 ક્લેમ્પ પર ટકેલો 200 કિલોનો લોંખડનો દરવાજો બાળક પર પડતાં કમકમાટી ભર્યું મોત, મૃતકના માતાની સાડી લોહીથી ભરાઇ

પાટણ શહેરમાં પ્રભુ નગર સોસાયટીનો 150થી 200 કિલો વજનનો લોખંડનો મુખ્ય દરવાજો પાંચ વર્ષના બાળક પર પડતાં બાળક ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં કમકમાટી ભર્યું મોત થયું હતુ. હૃદયદ્રાવક ઘટના થી લોકો હચમચી ગયા હતા. લોખંડનો મુખ્ય દરવાજો દિવાલ સાથે લગાવેલા ક્લેમ્પથી વેલ્ડીંગમાંથી અલગ પડી જતાં ગોઝારી ઘટના સર્જાઇ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યારે લોકોએ દરવાજાને ઊંચકી બાળકને બહાર કાઢ્યો ત્યારે તેના નાક, કાન અને મોઢામાંથી લોહી નીકળતું હતુ.દવાખાને લઇ જતાં તબીબે મૃતજાહેર કર્યો હતો.

પાટણ શહેરમાં કાળકા રોડ પર રોટરી નગરના ઠાકોરવાસમાં રહેતાં વિષ્ણુજી બચુજી ઠાકોરના પત્ની રેખાબેન ઠાકોર રવિવારે સવારે આઠ વાગ્યાના અરસામાં તેમના પાંચ વર્ષના એકના એક દીકરા આર્યનને લઈને ઘરકામ માટે જવાના હતા. તે વખતે આર્યન તેમના ઘર પાસે રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટી ના નાકા પાસે  ઉભો હતો અને તેની માતા આર્યનના ચંપલ લેવા માટે ઘરે જઈ હતી.

તે વખતે પ્રભુ કૃપા સોસાયટીનો અંદાજે સાડા છ ફૂટ ઊંચાઈ નો અને નવ ફૂટ પહોળો અને 150થી 200 કિલો વજનનો લોખંડનો વજનદાર દરવાજો દિવાલ સાથે લગાવેલા કલેમ્પના વેલ્ડીંગમાંથી જુદો પડી જતાં આર્યન પર પડયો હતો. બાળક દરવાજાના નીચે આવી ગયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આસપાસના રહીશોએ દરવાજો ઊંચકી બાળકને બહાર કાઢ્યો હતો બાળક લોહીલુહાણ થઇ ગયો હતો નાક કાન અને મોઢામાંથી પણ લોહી નીકળતું હતું. તેને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. સાંજ સુધી પોલીસમાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

મૃતકના માતાની સાડી લોહીથી ભરાઇ 

કમુબેન ઠાકોરે જણાવ્યું હતું કે ધડાકાભેર અવાજ થતાં બહાર આવીને જોયું તો દરવાજો બાળક પર પડેલો હતો. આસપાસથી અમે ત્રણથી ચાર મહિલાઓ દરવાજો ઊંચો કરી બાળકને બહાર કાઢ્યો હતો. દરવાજો ઊંચો પણ થતો ન હોતો બાળકના માથા પર ગંભીર ઇજાઓ થયેલી હોવાથી તે લોહીલુહાણ થઇ ગયો હતો તેની માતાની સાડી લોહીથી ભરાઇ હતી.

કાળજા કેરો કટકો મારો છૂટી ગયો: પિતા

મૃતક બાળક ના પિતા વિષ્ણુજી ઠાકોરે જણાવ્યું કે આર્યન તેમનો એકનો એક દીકરો હતો. તેમને સંતાનમાં બીજી એક દીકરી છે. આર્યન એમ.એન હાઇસ્કૂલના પ્રાથમિક વિભાગમાં જૂનિયર કે.જી.માં ભણતો હતો. તેની માતા બંગલાઓના કામ કરવા જાય ત્યારે દરરોજ તેની સાથે જતો હતો.

દરવાજો માત્ર એક ક્લેમ્પ પર રાખવામાં આવ્યો હતો

મૃતક બાળકના સંબંધી વદનજી ઠાકોરે જણાવ્યું કે અંદાજે 150 કિલોથી વધુ વજન નો લોખંડનો દરવાજો માત્ર એક ક્લેમ્પ પર વેલ્ડીંગ કરીને રાખવામાં આવેલ હતો તે સોસાયટીની નિષ્કાળજી છે. વજનદાર લોખંડનો દરવાજો ઉપર નીચે બે કલેમ્પ થી ફીટ કરવો જોઈએ અને તે પણ માત્ર બિલ્ડિંગથી નહીં પરંતુ બોલ્ટ ચાકીથી ફીટ કરવો જોઈએ. દરવાજો અંદાજે 10 થી 12 વર્ષ પહેલા લગાવેલો હતો.

મૃતક આર્યનની માતા બંગલાઓમાં કામ કરે છે 

મૃતક આર્યન ઠાકોરની માતા બંગલાઓના કામ કરવા જાય છે ત્યારે દરરોજ આર્યન પણ તેમની સાથે જતો હતો. ઘટના પહેલાં પણ આર્યન માતા-પિતા સાથે નીકળ્યો હતો અને ત્યારે તે દરવાજા નજીક ઉભો હતો અને તેની માતા તેના ચંપલ લેવા ઘરે ગઇ હતી અને આ ગોઝારી ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો