સુરતમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા ઘેટાં-બકરાંની જેમ સ્કૂલ રિક્ષામાં 20 બાળકો ભર્યા, પોલીસે કાઢ્યા બહાર, વીડિયો વાઈરલ

ટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ચોકબજારથી રાજમાર્ગ પર ટ્રાફિક પોલીસ તૈનાત હતી. દરમિયાન ગુરુવારે બપોરે મેમણ સ્કૂલના 20 બાળકોને એક સ્કૂલ રિક્ષામાંથી ઉતાર્યા હતાં. રિક્ષામાં ઘેટા-બકરાની જેમ ઠાંસીઠાંસીને નાના ભૂલકાંઓને ચાલક બેસાડતો હતો. જેને લઈને ટ્રાફિક પોલીસના એએસઆઈ અલાઉદ્દીન સંધીની નજર પડી હતી. તેઓ રિક્ષામાંથી એક-એક કરીને નાના ભૂલકાઓને ગણતરી કરીને બહાર કાઢયા તો તેમાં 20 જેટલા નાના ભૂલકાંઓ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે રિક્ષાચાલકને જાહેરનામા ભંગ હેઠળ 500 રૂપિયાનો દંડ કર્યો હતો.

બે-ત્રણ બાળકો ગમે ત્યારે નીચે પડી જાય તેમ બેઠાં હતાં

એએસઆઈ અલાઉદ્દીન સંધીએ જણાવ્યું હતું કે, હું ગુરુવારે બપોરે ટ્રાફિક ક્લીયર માટે ચોકબજારથી રાજમાર્ગ તરફ જઈ રહ્યો હતો. તેવામાં મેમણ હોલ પાસે આવેલી મેમણ સ્કૂલમાં રિક્ષાવાળાઓ નાના ભૂલકાઓને રિક્ષામાં બેસાડી રહ્યા હતા. તેવામાં એક રિક્ષામાં નાના ભૂલકાઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા. જેથી મારી નજર પડતા મેં રિક્ષામાં જઈને નાના ભૂલકાઓને નીચે ઉતાર્યા તો તેમાં 20 નાના ભૂલકાઓ હતા. જેમાંથી 2થી 3 બાળકો તો એવા હતા કે, નીચે પડી પણ જાય તેમ બેઠા હતા. જેથી મે રિક્ષાવાળાને રિક્ષા જમા લેવાની વાત કરી તો તે રડવા લાગ્યો અને ઉંમરલાયક હતો. રિક્ષાચાલકે મને કહયું કે, 20માંથી 5 બાળકો ગરીબ હોવાથી હું ફ્રીમાં લાવુ છું,રિક્ષાવાળાએ આજીજી કરતાં આખરે મેં 500 દંડ વસૂલ્યો હતો. હું 20 બાળકોને લઈને પાછો સ્કૂલમાં ગયો અને ટ્રસ્ટીઓને બાળકોની જવાબદારી વિશે વાત કરી હતી. હું પોતે પીટીસી થયેલો છું અને મહેસાણામાં પોઈડા ગામમાં ટીચર હતો, જેથી બાળકોની ફિલીંગ સારી રીતે જાણું છું, આવતીકાલે ટ્રાફિક પોલીસ સ્કૂલમાં ટ્રસ્ટીઓ અને વાલીઓ સાથે મીટિંગ પણ કરવાની છે.


​​​​
અગાઉ પોલીસની ડ્રાઈવ યોજાઈ હતી

થોડા મહિનાઓ અગાઉ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલ વેન અને ઓટો સામે કડક નિયમો કરવામાં આવ્યાં હતાં તેમ છતાં આ નિયમોને જાણે ઓટોવાળા ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો આ વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યાં છે. ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ 20 જેટલા માસૂમ બાળકો ઓટોમાંથી નીકળ્યાં હતાં.

ગંભીર બેદરકારી

ઓટોમાંથી 20 બાળકો નીકળવા અંગે ઓટો ડ્રાઈવરની તો બેદરકારી છે જ પરંતુ જાણકારોના મતે આ સમગ્ર વાઈરલ થઈ રહેલા વીડિયોને જોતાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની પણ એટલી જ બેદરકારી છે કારણ કે અગાઉ જ તંત્ર દ્વારા વાલીઓ અને સ્કૂલ સંચાલકોને બાળકોના પરિવહન અંગેની ગાઈડ લાઈન આપી દેવામાં આવી હોવા છતાં બાળકોના જોખમે આ રીતે રિક્ષામાં મુસાફરી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

કડક કાર્યવાહી કરાશેઃઆરટીઓ

આરટીઓ ઓફિસર ડી કે ચાવડાએ જણાવ્યું હતું કે, આ ખરેખર ગંભીર પ્રકારની બાબત સામે આવી છે. બાળકોની સુરક્ષાને લઈને તેઓ અગાઉ પણ કાર્યવાહી કરી ચુક્યા છે અને આ રિક્ષા ચાલક વિરૂધ્ધ પણ કાર્યવાહી કરાશે. અગાઉ તેમણે દરેક સ્કૂલને પણ સૂચના આપી છે છતાં આટલા બાળકો એક જ રિક્ષામાં ભરવા તે યોગ્ય નથી. સ્કૂલ સંચાલકોએ અને વાલીઓએ પણ સેફ્ટી અંગે વિચારવું જોઈએ.

પુણા વિસ્તારમાં બાળક રીક્ષામાંથી પડી ગયું હતું

થોડા દિવસો અગાઉ પુણા વિસ્તારમાંથી એક બાળક ચાલુ રિક્ષામાંથી પડી ગયો હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો ત્યારે પણ રિક્ષાના ડ્રાઈવર અને સ્કૂલ સામે પ્રશ્નો ઉભા થયા હતાં. ત્યારે આ નવો વીડિયો સામે આવતાં તંત્ર, સ્કૂલ અને વાલીઓ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો