સિયાચિનમાં ફરીથી બરફનું તોફાન, ભારતીય આર્મીના બે જવાન થયા શહીદ

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં શનિવારે આવેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત થતા બરફના પહાડો વચ્ચે બે જવાન દબાઈ જતાં શહીદ થઈ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને બાકીના જવાનોને બહાર કાઢ્યા હતા. થોડા સમય અગાઉ પણ આવી એક ઘટનામાં 4 જવાન શહીદ થયા હદા તથા બે પોર્ટરના પણ મોત થયા હતા. સિયાચીનમાં આ અગાઉ પણ આવી ઘટનાઓમાં ઇન્ડિયન આર્મીના સેંકડો જવાન શહીદ થઈ ચૂક્યા છે.

આ મહિનામાં 19 નવેમ્બરે સિયાચિનના ઉત્તરી ગ્લેશિયર પાસે હિમસ્ખલનની ચપેટમાં આવીને ચાર જવાન શહીદ થઇ ગયા હતા. બે નાગરિકોનો પણ જીવ ગયો હતો. લગભગ 20 હજાર ફુટની ઉંચાઇ પર સ્થિત સિયાચિન વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે જે લદ્દાખનો ભાગ છે. કાશ્મીરમાં અનુચ્છેદ 370 સમાપ્ત થયા બાદ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે.

2016માં હિમપ્રપાતના લીધે 10 જવાનો શહીદ થયા હતા

સિયાચિન ગ્લેશિયરમાં અત્યારે માઇનસ 30 ડિગ્રી તાપમાન છે. આ દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે. અહીં દુશ્મનોની જગ્યાએ હવામાન આધારિત પરિસ્થિતિઓના લીધે સૈનિકોને શહીદ થવું પડે છે. ફેબ્રુઆરી 2016માં થયેલા હિમપ્રપાતમાં 10 જવાનોનું મૃત્યુ થયું હતું.

સેના માટે શા માટે સિયાચિન અગત્યનું છે ?

હિમાલયન રેન્જમાં સ્થિત સિયાચિન ગ્લેશિયરથી ચીન અને પાકિસ્તાન બન્ને દેશો પર નજર રાખવામાં આવે છે. ઠંડીની સિઝનમાં અહીં ઘણા હિમપ્રપાત આવે છે. એવરેજ 1000 સેન્ટિમીટર બરફ પડે છે. ઓછામાં ઓછુ તાપમાન માઇનસ 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીં તહેનાત જવાનોની શહીદી મોટાભાગે હિમપ્રપાત, લેન્ડ સ્લાઇડ, વધારે ઠંડીના કારણે ટિશ્યૂ બ્રેક, અલ્ટિટ્યૂડ સિકનેસ અને પેટ્રોલીંગ દરમિયાન વધારે ઠંડીના કારણે હાર્ટ ફેલ થવાના કારણે થાય છે. સિયાચિનમાં ફોરવર્ડ પોસ્ટ પર એક જવાનની તહેનાતી 30 દિવસથી વધારે નથી હોતી. 1984થી લઇને 2016 સુધી લગભગ 900 જવાન શહીદ થયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો