આ વ્યક્તિ છેલ્લા 17 વર્ષથી નાત-જાતનો ભેદભાવ જોયા વગર કરે છે દર્દીઓની સેવા

આપણી આસપાસ અનેક પ્રેરણાદાયક લોકો રહેતા હોય છે, જેઓ પોતાનું જીવન અન્યને મદદ કરવામાં ખર્ચી દેતા હોય છે. આવી જ એક વ્યક્તિ આણંદમાં રહે છે. જેઓ છેલ્લા 17 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેમજ પોતે આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં પણ જે દર્દીઓ પાસે પુરતા પૈસા ન હોય તેમને આર્થિક મદદ કરી રહ્યાં છે. અત્યારસુધીમાં તેઓ 60 હજાર જેટલા દર્દીની સેવા કરી ચૂક્યા છે અને અન્ય લોકોને પણ સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.

પત્નીની બીમારી દરમિયાન પડેલી મુશ્કેલીએ સિદ્દીકભાઇ સેવાકાર્ય તરફ વાળ્યા

બીજાને ત્યાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સિદ્દીકભાઇ રાણાની પત્ની લીવરની બીમારીથી પિડાઇ રહી છે. આ અસાધ્ય રોગને મટાડવા માટે તેમણે ઘણા પૈસા ખર્ચ્યા છે અને એકપણ હોસ્પિટલ બાકી રાખી નથી. હોસ્પિટલોની મુલાકાત દરમિયાન અન્ય દર્દી અને તેમના પરિવાર સાથે વાતચીત થતા જાત અનુભવથી તેમણે નક્કી કર્યું કે તેઓ જીવનભર ગરીબ દર્દીઓની સેવા કરવાના છે, જે આજે પણ ચાલુ છે.

પત્નીની બીમારીએ કર્યું હૃદય પરિવર્તન, આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં પણ ગરીબ દર્દીઓને સારવાર માટે આપે છે પૈસા

ગરીબોની કરી રહ્યાં છે સેવા

સિદ્દીકભાઇ આર્થિક રીતે સદ્ધર નથી, તેઓ એક કાચા મકાનમાં રહે છે. દર્દીઓની સેવા કરતી વખતે અનેકવાર એવુ પણ બને છે કે આવેલા દર્દી પાસે સારવાર કરાવવા માટે પુરતા પૈસા હોતા નથી, તેવામાં તેઓ જાતે દર્દીની સારવારનો ખર્ચ ઉઠાવવામાં સહયોગી બને છે. તેઓ દર્દીને માત્ર દવાખાને લઇ જતા નથી પરંતુ જ્યાં સુધી દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેની સેવા કરે છે અને કાળજી પણ રાખે છે.

દર્દીઓને ઓછા ખર્ચમાં સારવાર કેમ કરવી તે અંગે સમજાવે છે

સિદ્દીક રાણા છેલ્લા 17 વર્ષથી નાત-જાતનો ભેદભાવ જોયા વગર દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેમજ અન્ય લોકોને પણ સેવા કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.વર્ષો સુધી દર્દીઓની સાથે રહેવાના કારણે તેઓ જાણી ગયા છે કે મોટાભાગની બીમારીમાં કેવા પ્રકારની દવા વપરાય છે અને ઓપરેશનની જરૂર છે કે નહીં. આ તમામ બાબતો અંગે તેઓ તેમની સાથે આવેલા દર્દી સાથે ચર્ચા પણ કરે છે અને તેમને સમજાવે છે, જેથી ઓછા ખર્ચમાં તેઓ સારી સારવાર કરાવી શકે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો