દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું, ત્રણ કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા મકાનો ડૂબ્યા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટાઆસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર 3 કલાકમાં જ 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે. ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આહીર સમાજની દીવાલ પણ ધરાશાયી થઇ છે. જો કે કોઇ જાનહાનિ સર્જાયાના સમાચાર નથી. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા છે.

કલેક્ટર તંત્ર દોડતું થયું

આસોટા ગામમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા કલેક્ટર તંત્ર દોડતું થયું છે. મામલદાર, આરોગ્ય ટીમ સહિતની ટીમો દોડી આવી છે. અનરાધાર વરસાદથી મોટુ નુકસાન થયાનું હાલ જાણવા મળ્યું છે. પૂરના પાણી ઓસરે પછી જ ગામમાં સર્જાયેલી તારાજી વિશે જાણવા મળશે. હાલ તો તંત્ર બનતી કોશિશ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જરૂર પડ્યે એનડીઆરએફની ટીમ, ફાયરબ્રિગેડ સહિતની ટીમને રવાના કરવામાં આવશે. આ ગામમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

ગામના તમામ તળાવો, ચેકડેમો એક જ વરસાદમાં ભરાયા

મોટા આસોટામાં ભારે વરસાદથી ગામના તમામ તળાવો અને ચેકડેમો એક જ વરસાદમાં ભરાય ગયા છે. તેમજ મોટાભાગના ખેડૂતોના ખેતરોના પાળા તૂટી ગયા છે અને ધોવાણ થયું છે. શાલાના આચાર્ય જગમાલભાઇ ભેટારીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે મૂશળધાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. આવો વરસાદ મેં ક્યારેય જોયો નથી. ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો