વડોદરા પાસે લગ્નમાં મામેરૂં ભરી આઈસરમાં પરત ફરી રહેલા પરિવારને ગોજારો અકસ્માત નડતા 12ના કરૂણ મોત

વડોદરાથી આશરે 25 કિ.મી.દૂર આવેલા પાદરા તાલુકાની મહુવડ ચોકડીથી રણું જવાના રોડ પર શનિવારે સાંજે આઈસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 હતભાગીઓના મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં ભોજ, રણું, વડુ અને વડોદરાની 8 મહિલા, બે બાળકી અને બે પુરૃષનો સમાવેશ થાય છે. જ્યારે 17 જેટલા લોકોને નાની – મોટી ઈજા થતાં વડોદરા અને પાદરાની જુદી-જુદી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ગોઠડા ગામેથી મોસાળાની વીધિ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા, ત્યારે રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, પાદરાના રણું ગામમાં રહેતાં ઈકબાલ અબ્બાસભાઈ ચૌહાણની બહેન સાવલી તાલુકાના ગોઠડા ગામે રહે છે. ઈકબાલભાઈની ભાણીનું લગ્ન હોવાથી સવારે 11 વાગ્યે તેઓ 25 થી 30 જેટલા સગા – સબંધીઓ સાથે બે આઈસર ટેમ્પોમાં મોસાળું લઈ ગોઠડા ગયા હતા. જ્યાં સામાજિક વીધિ પતાવી સાંજે તમામ લોકો રણું પરત જવા નીકળ્યા હતા. ઘરે જવાની આશાએ નીકળેલા નિર્દોષ લોકોને ક્યાં ખબર હતી કે, આગળ કાળ તેમની રાહ જોઈને ઉભો છે. બન્યું એવું કે, મહુવડ ચોકડીથી રણું તરફ જવાના રોડ પર ટેમ્પો આગળ વધી રહ્યો હતો, ત્યારે સાંજે 6 થી 6.30 વાગ્યા દરમિયાન કેનાલ પાસે સામેથી આવતા ડમ્પર સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે, આઈસર ટેમ્પોનું એક સાઈડનું ફાલકું ચિરાઈ જતાં ઈજાગ્રસ્તોની મરણ ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાદરા અને વડુની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વડોદરા લવાયા હતા. પોલીસના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં અકસ્માતમાં 12 જણાંના મોત થયા છે. આ ઘટનામાં વડોદરાના ફતેગંજ વિસ્તારના દંપતીનો પણ સમાવેશ થાય છે.

પાદરા, વડુ અને વડોદરાની હોસ્પિટલમાં સબંધીઓના ધાડા ઉમટયાં
પાદરા તાલુકામાં પહેલીવાર એક સાથે 12ના મોતની ઘટના બનતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઈજાગ્રસ્તોને પાદરા, વડુ અને વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડતાં તેમના સગા – સબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવા ૭ જેટલી એમ્બુલ્યન્સનો ઉપયોગ કરાયો હતો.

1. મોહસીન રમજાનખાન પઠાણ (ઉં.વ.35)
(રહે, કમાટીપુરા, ફતેગંજ)

2. રૃક્શાનાબેન મોહસીનભાઈ પઠાણ (ઉં.વ.35)
(રહે, કમાટીપુરા, ફતેગંજ)

3. જાયેદાબેન શબ્બીરભાઈ મલેક (ઉં.વ.48)
(રહે, રણું કસ્બામાં દરગાહની પાસે, પાદરા)

4. સુભાનબેન સજાદભાઈ સિંધા (ઉં.વ.32)
(રહે, ચૌહાણવગો, રણું)

5. માહેનુરબેન ફિરોજભાઈ ચૌહાણ (ઉં.વ.8)
(રહે, ભોજ તા. પાદરા)

6. નસરીનબાનુ ફિરોજભાઈ ચૌહાણ (ઉં.વ .32)
(રહે, ભોજ તા.પાદરા)

7. સલીમ રઝાક શેખ (ઉં.વ.55)
(રહે, સુરત)

8. અફસાના ઈસ્માઈલ ચૌહાણ (ઉં.વ.17)
(રહે, રણું, તા.પાદરા)

9. સુફિયા અમરસંગ સિંધા (ઉં.વ.16)
(રહે, રણું, તા.પાદરા)

10. સમીમબેન હનીફભાઈ ચૌહાણ (ઉં.વ.35)
(રહે, રણું, તા.પાદરા)

11. મહેક ફિરોજભાઈ ચૌહાણ (ઉં.વ.4)
(રહે, ભોજ, તા. પાદરા)

12. શહેનાઝબેન હિતેશભાઈ સોલંકી (ઉં.વ.38)
(રહે, વડુ, તા.પાદરા)

અકસ્માતને પગલે રણું – મહુવડ ચોકડીને જોડતો રસ્તો બંધ કરાયો
અકસ્માતના સ્થળે લોકોના ધાડેધાડા ઉમટી પડતાં વડુ અને પાદરા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડવા માટે રણુંથી મહુવડ ચોકડીને જોડતા રોડને બંધ કરાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો