મહેસાણાના આ પટેલે બ્રેક વગર કરી સાયક્લીંગ, 1.5 કલાક પહેલા પૂર્ણ કરી 600 કિમીની રેસ

મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના 12 અને અમદાવાદ સાયક્લોન સાયક્લીંગ ક્લબના 2 મળી કુલ 14 રાઇડરોએ શનિવારે શરૂ થયેલી મહેસાણાથી 600 કિલોમીટરની સાયકલ રાઇડીંગ તમામ રાઇડરોએ પૂર્ણ કરી હતી. ભાગ લેનાર તમામે રાઇડીંગ પૂરી કરી હોય તેવું પ્રથમ વખત બનતાં મહેસાણાનો નવો રેકોર્ડ બન્યો છે. જેમાં મહેસાણાના વિનોદભાઇ પટેલે હિંમતનો અભૂતપૂર્વ પરિચય કરાવ્યો હતો. સાયકલના 3 સળિયા તૂટી ગયા હોવા છતાં 70 કિમી બ્રેક વગર સાયક્લીંગ કરી 600 કિમીની રેસ દોઢ કલાક વહેલી પૂરી કરી હતી.

અવરોધક બ્રેક હટાવી વિનોદ પટેલે 70 કિમી બ્રેક વગર સાયક્લીંગ કરી

શહેરના રામોસણા સર્કલથી શનિવારે વહેલી સવારે 14 રાઇડરો 600 કિલોમીટરની સાયકલ રાઇડીંગ માટે રાજસ્થાનના પાલી જઇ પરત આવવા નીકળ્યા હતા. 40 કલાકની મર્યાદાની આ આ રાઇડીંગ તમામ  રાઇડરોએ અઢી કલાકથી 20 મિનિટ પહેલાં જ પૂરી કરી હતી. જેને લઇ ભાગ લેનારા તમામ રાઇડરોએ સમય મર્યાદા કરતાં વહેલી રાઇડીંગ પૂરી કરી હોય એવો નવો રેકોર્ડ બન્યો છે. ડૉ.મુકેશ ચૌધરી અને મુકેશ પટેલે માત્ર 37.30 કલાકમાં રાઇડીંગ પૂરી કરી હતી. સૌથી આગળ રહેનાર જીજ્ઞેશ પટેલે અન્યોની હિંમત વધારવા પોતાના સમયની પરવાહ કર્યા વગર સપોર્ટ કર્યો હતો. આશિષભાઇ પણ અન્ય રાઇડરોની સાથે રહી હિંમત આપી હતી.


કોઇ બીમાર, કોઇને અકસ્માત નડ્યો તોય ડગ્યા નહીં

– અમદાવાદ ક્લબના મનોજભાઇ સોનીને હાર્ટમાં પેસમેકર બેસાડેલું હોઇ રાઇડીંગ કરવું મુશ્કેલ હોવા છતાં તેમણે રાઇડીંગ પૂર્ણ કરી.

– અમદાવાદનાં ગીતાબેન રાવને એક પગે લકવાની અસર હોવા છતાં 600 કિલોમીટરની રાઇડીંગમાં જોડાયાં હતાં અને સમય મર્યાદાની 20 મિનિટ પહેલાં જ રાઇડીંગ પૂર્ણ કરી હતી.

– બાબુભાઇ ચૌધરીને રાઇડીંગ દરમિયાન રસ્તામાં પથ્થર આવી જતાં અકસ્માત નડ્યો હતો. નાકના ભાગે ઇજા પહોંચી હતી. છતાં ગિયર વગરની સાયકલથી રાઇડીંગ પૂર્ણ કરી.

– વિનોદભાઇ પટેલને રાઇડીંગ દરમિયાન સાયકલના સળિયા તૂટી ગયા હતા. અવરોધક બ્રેકને હટાવી 70 કિલોમીટર સુધી બ્રેક વગર સાયક્લીંગ કરી.

– મનોજભાઇ સોની અને પાર્થ ગજ્જરે માત્ર 28 દિવસમાં 200, 300, 400 અને 600 કિલોમીટર પૂર્ણ કરી તેમણે એસ.આર.ની પદવી મેળવી છે.
– મહેસાણાના હેતલ પટેલ, જાનકી પટેલ અને જીતેન્દ્રભાઇ પટેલે પણ એક માસમાં 300, 400 અને 600ની રાઇડીંગ પૂરી કરી છે.

– 98 કિલો વજન ધરાવતાં સુરેશભાઇ ચૌધરી માટે આ રાઇડીંગ મુશ્કેલીભર્યું બની શકે તેમ હતું, તેમ છતાં સાથી રાઇડરો વચ્ચે જોશભેર રાઇડીંગ પૂરી કરી.

– ડૉ.અશ્વિન ભાવસારનું છેલ્લા કેટલાક દિવસથી સ્વાસ્થ્ય સારૂ ન હોઇ તબીબે રાઇડીંગ નહીં કરવા જણાવ્યું હતું. પરંતુ સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર રાઇડ પૂરી કરી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો